


પંચાયતી રાજ સંસ્થાઓની નાણાકીય તાકાત વધારવા ભુજમાં રાષ્ટ્રીય સ્તરની બેઠક યોજાઈ; ગ્રામ પંચાયતો માત્ર સરકારી ગ્રાન્ટ પર નિર્ભર ન રહે, આવકના સ્વતંત્ર સ્ત્રોત ઊભા કરી વિકાસને નવી દિશા આપે તે અંગે ગંભીર મંથન
કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયતોનું સશક્તિકરણ અનિવાર્ય છે ત્યારે પંચાયતી રાજ સંસ્થાઓને આર્થિક રીતે વધુ સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી કચ્છના ભુજ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પંચાયતોની પોતાની આવક ઊભી કરવાની ક્ષમતા અને નાણાકીય સ્વાયત્તતા વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
'પંચાયતી રાજ સંસ્થાઓમાં આવકના પોતાના સ્ત્રોતોનું એકત્રીકરણ' વિષય પર આયોજિત સલાહકાર સમિતિની આ બેઠકમાં ગ્રામ્ય સ્તરે લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સાથે પંચાયતોની આર્થિક સ્થિતિ સુધારવાના વિવિધ પાસાઓ પર વિચારવિમર્શ થયો હતો. કેન્દ્રીય મંત્રીએ પંચાયતોને માત્ર સરકારી સહાય અને ગ્રાન્ટ પર આધારિત રહેવાને બદલે પોતાની આવકના સ્ત્રોત વિકસાવીને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની દિશામાં આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં એ બાબત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયતો પાસે પૂરતાં નાણાકીય સંસાધનો હશે તો તેઓ સ્થાનિક જરૂરિયાતો અનુસાર વિકાસનાં કામોનું આયોજન અને અમલીકરણ વધુ અસરકારક રીતે કરી શકશે. પંચાયતોની આવક વધારવા માટે ઉપલબ્ધ સંસાધનોનો યોગ્ય ઉપયોગ, નાણાકીય વ્યવસ્થાપનમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.
આ બેઠકમાં લોકસભાનાં સાંસદ ગેનીબેન નાગાજી ઠાકોર અને ઉમેશભાઈ બાબુભાઈ પટેલે પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ઉપરાંત પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિનીત જોશી, સંયુક્ત સચિવો મુક્તા શેખર અને રાજેશ કુમાર સિંહ, અધિક વિકાસ કમિશનર યોગેશ નિર્ગુડે, નાયબ સચિવ દીપેન્દ્ર સિંહ સહિત મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભુજ ખાતે યોજાયેલી આ બેઠકનો મુખ્ય સંદેશ એ રહ્યો હતો કે મજબૂત ગામડાંના નિર્માણ માટે મજબૂત પંચાયતો જરૂરી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આર્થિક રીતે સક્ષમ બનશે તો જ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસનાં કામોને નવી ગતિ મળશે. પંચાયતોની નાણાકીય આત્મનિર્ભરતાને 'વિકસિત ભારત'ના લક્ષ્ય સુધી પહોંચવા માટેના મહત્વપૂર્ણ પાયા તરીકે જોવામાં આવી હતી. કચ્છની ધરતી પર યોજાયેલી આ બેઠકમાં થયેલું મંથન દેશની ગ્રામ્ય શાસનવ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar