પૂર્વ કચ્છની રૂ.8.46 કરોડની સાયબર છેતરપિંડીમાં વધુ એક આરોપી ઝડપાયો! ‘મિશન ફ્યુજિટિવ’ હેઠળ રાજસ્થાનના ઉદયપુરથી સાહીલખાનને દબોચ્યો
કરોડો રૂપિયાના ઓનલાઇન ફ્રોડના તાર સુધી પહોંચવા પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી તેજ; ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચી પોલીસ કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં કરોડો રૂપિયાની નાણાકીય છેતરપિંડીના ચકચા
સાયબર ફ્રોડનો આરોપી


કરોડો રૂપિયાના ઓનલાઇન ફ્રોડના તાર સુધી પહોંચવા પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી તેજ; ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચી પોલીસ

કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં કરોડો રૂપિયાની નાણાકીય છેતરપિંડીના ચકચારી સાયબર ક્રાઈમ કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ‘મિશન ફ્યુજિટિવ’ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પૂર્વ કચ્છ-ગાંધીધામની ટીમે રૂ.8 કરોડ 46 લાખની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી સમગ્ર નાણાકીય છેતરપિંડીના નેટવર્કના મૂળ સુધી પહોંચવાની તપાસને વધુ વેગ મળવાની શક્યતા છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ વિવિધ ગુનાઓની તપાસ દરમિયાન સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે ‘મિશન ફ્યુજિટિવ’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા પણ કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસની તપાસમાં સક્રિયતા વધારવામાં આવી હતી.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. હુણની આગેવાની હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસના તાર જોડ્યા હતા. જરૂરી ટેકનિકલ વિશ્લેષણ અને સતત તપાસના આધારે ગુનામાં સંડોવાયેલા વધુ એક શખ્સનું પગેરું મેળવી તેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસે પકડેલા આરોપીની ઓળખ સાહીલખાન નદીમખાન ખાન (ઉંમર 28) તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના મલાતલ્લી વિસ્તારમાં આવેલી પુરબીયા કોલોની, 80 ફૂટ રોડ, મકાન નંબર 23/એનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 11993016260013/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો 318(3), 318(4), 111, 317(1), 319(1), 336(2), 336(3), 3(5) તેમજ આઈટી એક્ટની કલમ 66(C) અને 66(D) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

₹8.46 કરોડ જેવી માતબર રકમની છેતરપિંડીના આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થતાં હવે પોલીસની તપાસમાં અન્ય સંડોવાયેલા શખ્સો અને નાણાકીય વ્યવહારો અંગે નવી કડીઓ મળવાની સંભાવના છે. સાયબર ગુનાના મૂળ સુધી પહોંચવા પૂર્વ કચ્છ પોલીસની તપાસ અને કાર્યવાહી ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande