

ચાવલા ચોક નજીક શિવમંદિર પાસેથી 244 ગ્રામ ગાંજો મળી આવ્યો; ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો
કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં નશીલા માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ચાવલા ચોક વિસ્તારમાં શિવમંદિર નજીક કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસને 244 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે મોબાઇલ ફોન, રોકડ રકમ અને મોટરસાઇકલ સહિત કુલ રૂ. 52,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં એક મહિલા સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીને ડામવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વેલન્સ સ્ટાફને પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાવલા ચોક સ્થિત શિવમંદિર પાસે પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદ રીતે રાખવામાં આવેલા કાળા રંગના પ્લાસ્ટિકના ઝભલામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલ અધિકારી મારફતે પરીક્ષણ કરાવતા આ પદાર્થ કેનાબીસ એટલે કે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જેનું ચોખ્ખું વજન 244 ગ્રામ અને અંદાજિત કિંમત રૂ. 12,200 હોવાનું નોંધાયું હતું.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન સિદ્દીક ઉર્ફે છપ્પર જુમાભાઈ ચાવડા (ઉંમર 35, રહે. મિયાણીવાસ, કિડાણા) અને કાસમ ઉર્ફે ગુડબો જુમાભાઈ સોઢા (ઉંમર 21, રહે. સાલ ફળિયું, મીઠી રોહર)ને ઝડપી પાડ્યા હતા.
ગાંજાના જથ્થા ઉપરાંત બે મોબાઇલ ફોન, રૂ. 1,800 રોકડા, 12 નાની પારદર્શક ઝિપવાળી કોથળીઓ અને સુઝુકી એક્સેસ મોટરસાઇકલ કબજે કરવામાં આવી છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 52,500 આંકવામાં આવી છે.
આ મામલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(A) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં નીતાબેન રાજુભાઈ કોલી (રહે. ઇન્દિરાનગર, ગાંધીધામ) સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની કડીઓ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar