
- ઘઉં, ચોખા અને મકાઈમાંથી ચટાકેદાર નાસ્તા બનાવવાની સાથે હાથથી તૈયાર કરે છે થેલા અને પર્સ.
- ધનલક્ષ્મી સખી મંડળની બહેનો અન્ય મહિલાઓ માટે બની પ્રેરણારૂપ.
કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની પ્રતિભા અને કૌશલ્યને રોજગારીમાં પરિવર્તિત કરવાની દિશામાં સરકારી યોજનાઓ આશીર્વાદરૂપ બની રહી છે. યોગ્ય માર્ગદર્શન, આર્થિક સહાય અને સંગઠિત પ્રયાસો થકી મહિલાઓ હવે માત્ર ઘરનું સંચાલન જ નહીં, પરંતુ પરિવારની આવકમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેનું પ્રેરણાદાયી ઉદાહરણ ચકાર (કોટડા) ગામની ધનલક્ષ્મી સખી મંડળની 10 બહેનોએ પૂરું પાડ્યું છે, જેમણે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ સ્વરોજગારનો માર્ગ અપનાવી આત્મનિર્ભરતાની દિશામાં ડગલું માંડ્યું છે.
એક સમયે ઘરકામ પૂરતી મર્યાદિત રહેલી આ મહિલાઓ આજે પોતાની આવડતને વ્યવસાયમાં ફેરવી રહી છે.
ગુજરાત સરકારની આર્થિક સહાય અને યોજનાના સહયોગથી શરૂ થયેલો તેમનો નાનકડો ગૃહઉદ્યોગ હવે આવકનું સાધન બન્યો છે. ખાસ વાત એ છે કે, આ બહેનો પરંપરાગત ખાદ્યપદાર્થોની બનાવટથી લઈને સીવણકામ સુધીની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રોજગારી મેળવી રહી છે.
ધનલક્ષ્મી સખી મંડળની મહિલાઓ ઘઉં, ચોખા અને મકાઈમાંથી અલગ અલગ સ્વાદ અને પ્રકારના નાસ્તા તૈયાર કરે છે. ઘરેલુ બનાવટના આ નાસ્તાઓનું વેચાણ કરીને તેઓ આવક ઊભી કરી રહી છે. આ ઉપરાંત, મંડળની બહેનોને સીવણકામનું કૌશલ્ય હોવાથી તેઓ વિવિધ પ્રકારની થેલીઓ, બેગ્સ અને પર્સ પણ બનાવે છે. આમ, એક જ મંડળ હેઠળ ખાદ્યપદાર્થો અને હસ્તકૌશલ્ય આધારિત બે અલગ અલગ વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.
મંડળની બહેનોના જણાવ્યા અનુસાર, અગાઉ તેમની પાસે આવડત તો હતી, પરંતુ તેનો ઉપયોગ કરીને વ્યવસાય કેવી રીતે શરૂ કરવો તેની સમજ અને માર્ગદર્શનનો અભાવ હતો. સખી મંડળની જાણકારી મળ્યા બાદ 10 મહિલાઓ એકત્ર થઈ અને ધનલક્ષ્મી સખી મંડળની રચના કરી. સરકારી યોજનાનો લાભ મળતાં તેમની આવડતને વ્યવસાયિક દિશા મળી.
આજે આ મહિલાઓ માત્ર આર્થિક આવક જ નથી મેળવતી, પરંતુ પોતાના નિર્ણયો જાતે લેવાનો આત્મવિશ્વાસ પણ કેળવી રહી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો હેતુ પણ મહિલાઓને સંગઠિત કરી આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. ચકાર ગામની આ 10 બહેનોની સફળ પહેલ સાબિત કરે છે કે યોગ્ય તક અને સહયોગ મળે તો ગામડાની મહિલાઓ પણ ઘરઆંગણે રહીને સ્વરોજગારનું સફળ મોડેલ ઊભું કરી શકે છે. તેમનો આ પ્રયાસ અન્ય મહિલાઓને પણ પોતાની આવડત ઓળખી આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar