


- શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલનો ૯૨મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો, દાતાઓના સહયોગથી દર્દીઓને તપાસથી લઈને ઓપરેશન, દવા અને ચશ્માં સુધીની સુવિધા વિનામૂલ્યે અપાશે.
કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : નખત્રાણા ખાતે જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા પરિવારોના દર્દીઓને આંખોની સારવાર મળી રહે તેવા ઉમદા આશય સાથે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સહયોગથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આયોજિત આ ૯૨મા કેમ્પમાં કુલ ૧૧૫ દર્દીઓએ આંખોની તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતાં ૨૦ દર્દીઓને વિશેષ સારવાર માટે બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. આંખોની સારવાર માટે આર્થિક મુશ્કેલી અનુભવતા દર્દીઓ માટે આ કેમ્પ આશીર્વાદરૂપ બન્યો હતો.
નખત્રાણા લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલા કેમ્પનો શુભારંભ દાતાશ્રી અલ્પાબેન કનૈયાલાલ કોઠારી સહિત મહાજનના આગેવાનો, સેવાભાવી દાતાઓ અને રાજકોટથી આવેલા તબીબોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. સમાજની આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં સતત સહયોગ આપનાર અલ્પાબેન કોઠારીનું મહાજન દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં આવેલા તમામ ૧૧૫ દર્દીઓની નિષ્ણાત તબીબો દ્વારા આંખોની તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ અને આઈ ડ્રોપ્સ આપવામાં આવ્યાં હતાં. જ્યારે મોતિયાના ઓપરેશન માટે પસંદ કરાયેલા ૨૦ દર્દીઓને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલ દ્વારા દર્દીઓનાં ઓપરેશન, દવાઓ, ચશ્માં, રહેવા અને જમવા સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. મહાજન દ્વારા પણ દર્દીઓ માટે ચા-પાણી અને રાજકોટ જતાં દર્દીઓ માટે ફ્રૂટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અનમે જણાવ્યું હતું કે, સમાજના સહયોગ અને દાતાઓની ઉદારતાથી આ પ્રકારના સેવાકીય કેમ્પ નિયમિત યોજી શકાય છે. મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણે જણાવ્યું હતું કે સમાજના આશરે ૧૦ જેટલા કાયમી દાતાઓ આ સેવાકાર્યમાં સહયોગ આપે છે. આંખ શરીરનું અત્યંત મહત્ત્વનું અંગ હોવાથી તેની નિયમિત તપાસ અને યોગ્ય કાળજી જરૂરી છે. ખાસ કરીને મોતિયાના ઓપરેશન બાદ પણ નિર્ધારિત સમય સુધી સાવચેતી રાખવી આવશ્યક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલમાં દરરોજ ૩૦૦થી વધુ ઓપરેશન કરવામાં આવે છે. સંસ્થા ગુજરાતનાં આશરે ૧૩૫ શહેરો અને ગામડાંઓમાં નેત્ર નિદાન કેમ્પ યોજીને સેવાકાર્ય કરે છે. મોતિયામુક્ત ભારત અને ગુજરાતના અભિયાનને સફળ બનાવવા આવી સંસ્થાઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે.
કેમ્પમાં રાજકોટથી આવેલા ડો. અલ્પેશભાઈ ખેરડીયા અને લેબ ટેકનિશિયન વિજયભાઈ મકવાણાએ તબીબી સેવાઓ આપી હતી. કેમ્પની સફળતા માટે આરોગ્ય સમિતિના પ્રાગજીભાઈ અનમ, જગદીશભાઈ પલણ, વીશનજીભાઈ પલણ, પ્રકાશભાઈ આથા, ભરતભાઈ પલણ, મેહુલભાઈ દાવડા, અરવિંદભાઈ ઠક્કર સહિતના આગેવાનોએ આયોજનમાં જહેમત ઉઠાવી હતી. અંતે અશોકભાઈ જોબનપુત્રાએ આભારવિધિ કરી હતી અને મહામંત્રી નીતિનભાઈ એલ. ઠક્કરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
નખત્રાણામાં યોજાયેલો આ કેમ્પ માત્ર આંખોની તપાસ પૂરતો સીમિત ન રહેતાં જરૂરિયાતમંદોના જીવનમાં નવી રોશની લાવવાની દિશામાં માનવતાભર્યું સેવાકાર્ય બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar