
- અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભુજ તરફ જઈ રહેલું લોડીંગ વાહન ઝડપી પડાયું; 1 હજાર કિલો એલ્યુમિનિયમના વાયરો સહિત વાહન કબજે
કચ્છ, 18 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં મિલકત સંબંધી ગુનાઓને અંજામ આપતા તત્ત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને નલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એલ્યુમિનિયમ વાયરની ચોરીના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરીના હોવાનું સામે આવેલા આશરે એક હજાર કિલોગ્રામ એલ્યુમિનિયમના વાયરો તથા એક લોડીંગ વાહન મળી કુલ રૂ.3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે LCBની ટીમ સક્રિય રીતે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન અબડાસા તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓને માનવ બાતમીદારો મારફતે મહત્વપૂર્ણ માહિતી મળી હતી.
બાતમી મુજબ સુમરાસર (શેખ) ગામના ભીલાલ ઓસ્માણ બાયડ સહિતના કેટલાક શખ્સો તેરા ગામ તરફથી સફેદ કલરના અશોક લેલન લોડીંગ વાહન નંબર GJ-12-BT-8570માં એલ્યુમિનિયમના વાયરોના ગુચ્છા ભરીને ભુજ તરફ જઈ રહ્યા હતા. આ વાયરો ચોરી કે છળકપટથી મેળવવામાં આવ્યા હોવાની માહિતી મળતાં LCBની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી વાહનને અટકાવી તપાસ કરતાં તેમાં એલ્યુમિનિયમના વાયરો મળી આવ્યા હતા.
વધુ પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સોએ નલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એલ્યુમિનિયમ ચોરીના ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આથી પોલીસે ભીલાલ ઓસ્માણ બાયડ (ઉં.વ.30), સોયબ સુલેમાન સમેજા (ઉં.વ.26), અકબર ઓસ્માણ બાયડ (ઉં.વ.22) અને એઝાઝ સુમરા આગા (ઉં.વ.19), તમામ રહે. સુમરાસર (શેખ), તાલુકો ભુજ,ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar