સૌર ઊર્જા ક્ષેત્રે રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ: ચાલુ વર્ષે રૂ.1.14 કરોડની બચત
2,270 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ થકી ઓક્ટોબર સુધીમાં 15.02 લાખ યુનિટ વીજ ઉત્પાદન; કાર્બન ઉત્સર્જનમાં 1,232 મેટ્રિક ટનનો ઘટાડો રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ રેલવે ડિવિઝને પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતની દિશામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે
રાજકોટ રેલવે સ્ટેશન ઉપર સોલાર પેનલ


2,270 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ થકી ઓક્ટોબર સુધીમાં 15.02 લાખ યુનિટ વીજ ઉત્પાદન; કાર્બન ઉત્સર્જનમાં 1,232 મેટ્રિક ટનનો ઘટાડો

રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ રેલવે ડિવિઝને પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતની દિશામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. નવેમ્બર 2026 સુધીમાં વિવિધ સ્ટેશનો અને ઓફિસ ભવનો પર કુલ 2,270 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવી છે. જેના પરિણામે ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર સુધીમાં 15.02 લાખ યુનિટ સૌર વીજળીનું ઉત્પાદન થયું છે અને ડિવિઝનને કુલ રૂ.1.14 કરોડની આર્થિક બચત થઈ છે.

ભારતીય રેલવેના વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન હરિત અને નવીનીકરણીય ઊર્જાના ઉપયોગને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. ડિવિઝન દ્વારા પોતાની વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે સૌર ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, નવેમ્બર 2026 સુધીમાં ડિવિઝનના રેલવે સ્ટેશનો અને કચેરીઓના ભવનો પર કુલ 2,270 કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર પેનલ કાર્યરત કરી દેવામાં આવી છે, જેનાથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટી છે.

ગત નાણાકીય વર્ષ 2025-26ની કામગીરી અંગે સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (પાવર) રજની યાદવે માહિતી આપી હતી કે, સમગ્ર વર્ષ દરમિયાન સોલાર પેનલોમાંથી 11,65,458 યુનિટ વીજળીનું ઉત્પાદન થયું હતું. આ ઉત્પાદનને કારણે 786 મેટ્રિક ટનથી વધુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો હતો અને રેલવે તંત્રને કુલ 80.68 લાખ રૂપિયાની સીધી બચત થઈ હતી. પર્યાવરણ જાળવણીની સાથે આર્થિક બચતનો આ સિલસિલો ચાલુ વર્ષે વધુ તેજ ગતિએ આગળ વધ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલથી ઓક્ટોબર સુધીના સાત મહિનાના ગાળામાં જ 15,02,540 યુનિટ સૌર વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જે ગત સમગ્ર વર્ષના કુલ ઉત્પાદન કરતાં પણ લગભગ 29 ટકા જેટલું વધારે છે. આ સમયગાળા દરમિયાન સૌર ઊર્જાના ઉપયોગથી 1,232 મેટ્રિક ટનથી વધુ કાર્બન ઉત્સર્જન અટકાવી શકાયું છે, તેમજ વીજ બિલમાં કુલ 1.14 કરોડ રૂપિયાની મોટી બચત હાંસલ થઈ છે.

સોલાર રૂફટોપ ઉપરાંત રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે પરિસરોમાં સોલાર વોટર હીટર અને લેવલ ક્રોસિંગ ગેટ પર પણ સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, સૌર ઊર્જાનો વ્યાપ વધારવો એ ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષા તરફનું મહત્વનું કદમ છે. ભવિષ્યમાં પણ વધુને વધુ રેલવે ભવનો પર સોલાર પ્લાન્ટ લગાવીને નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના રાષ્ટ્રીય મિશનને વેગ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande