પાટણમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, 76.86 લાખના બેલેન્સવાળી બે માસ્ટર આઈડી સાથે એક શખ્સ ઝડપાયો
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ સાયબર ક્રાઈમ પોલીસે સુદામા ચોકડી નજીક આવેલી ગામઠી હોટલના ગામઠી પાર્લર પાસે દરોડો પાડી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા 35 વર્ષીય રાજેશ ઉર્ફે રાકેશ દિનેશ ઠક્કરને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ધવલ
પાટણમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, 76.86 લાખના બેલેન્સવાળી બે માસ્ટર આઈડી સાથે એક શખ્સ ઝડપાયો


પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ સાયબર ક્રાઈમ પોલીસે સુદામા ચોકડી નજીક આવેલી ગામઠી હોટલના ગામઠી પાર્લર પાસે દરોડો પાડી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા 35 વર્ષીય રાજેશ ઉર્ફે રાકેશ દિનેશ ઠક્કરને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ધવલકુમાર ભગવાન અને કમલેશકુમાર ભાનુપ્રસાદ સહિતની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી મોબાઈલમાં ઓનલાઈન આઈડી મારફતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી રૂ. 30 હજારની કિંમતનો મોબાઈલ કબજે કર્યો હતો, જેમાં સટ્ટા માટે ઉપયોગમાં લેવાતી બે માસ્ટર આઈડી મળી આવી હતી. આ બંને આઈડીમાં કુલ રૂ. 76,86,552નું બેલેન્સ હોવાનું જાણવા મળ્યું હતું.

ઝડપાયેલા આરોપીની ઓળખ રાજેશ ઉર્ફે રાકેશ દિનેશ ઠક્કર તરીકે થઈ છે. તે મૂળ પાટણના હાંસાપુર રોડ પર જોગમાયા ચોકડી સ્થિત ઉમાવિલા બંગ્લોઝનો રહેવાસી છે અને હાલ અમદાવાદના ગોતા વિસ્તારમાં જેગુઆર શો-રૂમ પાછળ આવેલા મહર્ષિ ફ્લેટના ચોથા માળે રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જિલ્લામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા મળેલી સૂચનાના પગલે પાટણ વિભાગના પરેશ રેણુકા તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સટ્ટાકાંડમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ તરીકે સંદિપ વાડીલાલ પટેલ, અમદાવાદના પાર્થ જીતેન્દ્ર પટેલ અને વિનોદ વાતવાણીનાં નામ સામે આવ્યાં છે. પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે પણ ગુનો નોંધી તેમની ધરપકડ માટે તપાસ તેજ કરી છે. આ મામલે પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12 તેમજ આઈ.ટી. એક્ટની કલમ 66(સી) અને 66(ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઓનલાઈન સટ્ટાના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande