દિવાળી બાદ પીજીવીસીએલની લાલ આંખ: જામનગર અને દ્વારકા જિલ્લામાં મેગા વીજચેકિંગમાં 152 કેસ પકડાયા
સોમવાર અને મંગળવાર દરમિયાન ૪૦થી વધુ ટીમો દ્વારા સઘન દરોડા: લાખો રૂપિયાની વીજચોરી પકડાતા વીજચોરોમાં ફફડાટ જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા
વીજ ચેકીંગ


સોમવાર અને મંગળવાર દરમિયાન ૪૦થી વધુ ટીમો દ્વારા સઘન દરોડા: લાખો રૂપિયાની વીજચોરી પકડાતા વીજચોરોમાં ફફડાટ

જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) :

દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી વિરુદ્ધ મેગા ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ સઘન ડ્રાઇવના પ્રથમ બે દિવસમાં જ વીજતંત્ર દ્વારા ૧૫૨ જેટલા વીજચોરીના કેસો ઝડપી લેવામાં આવ્યા છે, જેના કારણે વીજચોરી કરતા તત્વોમાં ભારે હડકંપ મચી ગયો છે.

પ્રથમ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને રાવલ પંથકમાં વીજતંત્રની ટીમોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ ૭૪ સ્થળોએ વીજચોરી ઝડપાઈ હતી, જેમાં ૨૧ કેસ એક લાખ રૂપિયાથી વધુની ચોરીના અને ૩ કેસ પાંચ લાખ રૂપિયાથી વધુની વીજચોરીના સામે આવ્યા હતા. આ તમામ કેસો અંગે જામનગર વીજ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

ત્યારબાદ બીજા દિવસે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે સિક્કા અને સાપર પંથકમાં વીજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ૪૦થી વધુ ટીમો સક્રિય થઈ હતી. આ ગ્રામ્ય દરોડા દરમિયાન વધુ ૭૮ વીજચોરીના કેસ પકડાયા હતા. આ નવા કેસોમાં પણ પાંચ લાખ રૂપિયાથી વધુની વીજચોરીના બે અને એક લાખ રૂપિયાથી વધુની ચોરીના ૨૫ કેસોનો સમાવેશ થાય છે.

આ મેગા ઝુંબેશના ત્રીજા દિવસે પણ લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને સમાણા સહિતના વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું. વીજતંત્રની આ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત યથાવત્ રહેવાની સંભાવના છે, જેથી વીજચોરીના પ્રમાણમાં મોટો ઘટાડો લાવી શકાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande