
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા આરએમસીની લાલ આંખ, ૩.૭૪ લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો
રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન શહેરમાં જાહેર માર્ગો ઉપર નડતરરૂપ અસ્થાયી દબાણો સામે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ પાલિકાની ટીમે ૧૮ રેલડી-કેબીન, ૧૫૬૯ બોર્ડ-બેનર, ૧૦૧૯ કિલો શાકભાજી તથા ફળો અને ૧૧૯ પરચૂરણ ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. સાથે જ દબાણકર્તાઓ પાસેથી કુલ રૂ. ૩.૭૪ લાખનો વહીવટી ચાર્જ અને દંડ વસૂલવામાં આવ્યો હતો.
શહેરના મુખ્ય માર્ગો અને બજારો જેવા કે ધરાર માર્કેટ, સંતકબીર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ અને પરાબજાર સહિતના વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તાઓ ઉપર ગેરકાયદે રીતે ખડકાયેલા કાચા-પક્કા દબાણોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સખત પગલાં લેવામાં આવ્યા છે.
અભિયાન દરમિયાન વિવિધ માર્ગો પરથી ૧૮ રેલડી અને કેબીન જપ્ત કરવામાં આવી હતી, જ્યારે ૧૧૯ પરચૂરણ ચીજવસ્તુઓ પણ કબજે લેવાઈ હતી. આ ઉપરાંત, જાહેર માર્ગો અને ફૂટપાથ પર વેચાણ અર્થે રાખવામાં આવેલું ૧૦૧૯ કિલોગ્રામ શાકભાજી અને ફળો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રાફિકને અવરોધરૂપ બનતા આ તમામ સામાનને પાલિકાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવ્યો હતો જેથી નાગરિકોને અવરજવરમાં રાહત મળી શકે.
આ ડ્રાઈવ અંતર્ગત મંડપ, કમાન અને છાજલી ભાડા પેટે રૂ. ૨,૨૩,૦૫૦ તેમજ વિવિધ વિસ્તારોમાંથી વહીવટી ચાર્જ પેટે રૂ. ૧,૫૦,૯૬૫ ની રકમ વસૂલવામાં આવી હતી. તંત્ર દ્વારા સેટેલાઈટ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ, રેસકોર્સ રિંગ રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ અને ગોંડલ ચોકડી સહિતના અસંખ્ય સ્થળોએથી ગેરકાયદે લગાવાયેલા ૧૫૬૯ બોર્ડ અને બેનરો પણ ઉતારી લેવામાં આવ્યા હતા. મનપાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt