રાજકોટમાં હેડ લાઈટના પ્રકાશથી આંખ અંજાઈ જતાં બાઈક વીજપોલ સાથે અથડાયુ : અકસ્માતમાં ગેરેજ સંચાલકનું મોત
રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા ડી-માર્ટ નજીક એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સામેથી આવતા વાહનની તીવ્ર હેડલાઇટના કારણે આંખ અંજાઈ જતાં 26 વર્ષીય યુવાનનું બાઇક વીજળીના થાંભલા સાથે અથડાતા ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દ
અકસ્માતમાં ગેરેજ સંચાલકનું મોત


રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા ડી-માર્ટ નજીક એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સામેથી આવતા વાહનની તીવ્ર હેડલાઇટના કારણે આંખ અંજાઈ જતાં 26 વર્ષીય યુવાનનું બાઇક વીજળીના થાંભલા સાથે અથડાતા ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના મવડી રોડ પર આવેલા નવલનગર-૧ માં રહેતા અને ઢેબર રોડ પર ગુરુકુળ પાસે 'ગજ્જર મોટર ગેરેજ' ચલાવતા પ્રિયેશભાઈ વિપુલભાઈ ગજ્જર ગતરાત્રિના સમયે પોતાનું ગેરેજ બંધ કરીને બાઇક દ્વારા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગોંડલ રોડ પર આવેલા ડી-માર્ટ નજીક પહોંચતા જ સામેથી પસાર થતા કોઈ વાહનની હેડલાઇટનો તેજ પ્રકાશ તેમની આંખોમાં પડતાં તેઓ રસ્તો જોઈ શક્યા ન હતા અને અચાનક તેમનું બાઇક નિયંત્રણ ગુમાવીને રોડની બાજુના થાંભલા સાથે ભટકાયું હતું. આ ભીષણ ટક્કરને કારણે યુવાન રોડ પર ફંગોળાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાસ્થળે એકત્રિત થયેલા રાહદારીઓમાંથી કોઈકે ત્વરિત 108 એમ્બ્યુલન્સને કોલ કરીને જાણ કરી હતી, જેના માધ્યમથી ઈજાગ્રસ્ત પ્રિયેશભાઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન, મોડી રાત્રિ સુધી યુવાન ઘરે ન પહોંચતા તેની માતા રાજેશ્રીબેને ચિંતાતુર થઈને તેના મોબાઈલ પર ફોન કર્યો હતો. તે ફોન 108 ના તબીબે રિસીવ કરીને પરિવારને અકસ્માત અંગેની જાણ કરી હતી, જેથી પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલના બિછાને થોડી ક્ષણો માટે ભાનમાં આવેલા પ્રિયેશભાઈએ પોતાના પરિવારને જણાવ્યું હતું કે સામેથી આવતા વાહનની હેડલાઇટથી આંખ અંજાઈ જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

જોકે, તબીબો દ્વારા સઘન સારવાર આપવામાં આવે તે પૂર્વે જ વહેલી સવારે યુવાને હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. મૃતક પ્રિયેશભાઈ એક જ બહેનથી મોટા અને અપરિણીત હતા તેમજ પોતાના વૃદ્ધ પિતા સાથે ગેરેજ સંભાળી પરિવારના ગુજરાનનો મુખ્ય આધારસ્તંભ હતા. એકના એક યુવાન પુત્રના અચાનક અને આકસ્મિક અવસાનથી ગજ્જર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હોસ્પિટલ ચોકીની સૂચના મળતા જ માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ પૂર્ણ કરી મૃતદેહ શોકમગ્ન પરિવારને સુપરત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande