
સુરત, 18 નવેમ્બર (હિ.સ.): આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતા હેઠળ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યભરમાં વેચાતા 'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોમાં વ્યાપક જનજાગૃતિ લાવવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય અને તેમને શુદ્ધ અને સ્વાસ્થયપ્રદ ખાદ્યવસ્તુઓ મળી રહે તે ઉદ્દેશ સાથે આરોગ્યમંત્રી દ્વારા અભિયાનને સઘન બનાવવા સૂચનો આપવામાં આવ્યા હતા. મંત્રી એ જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બન્ને પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે. જે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 હેઠળની માન્ય ખાદ્યચીજ છે. જે દેખાવ, ઠંડક અને સ્વાદમાં સમાન હોવાથી મોટાભાગના ગ્રાહકો બંનેને 'આઈસ્ક્રીમ' માનીને જ ખાય છે. પરંતુ બંનેની બનાવટમાં તફાવત છે. આઇસ્ક્રીમ મિલ્ક ફેટમાંથી બનાવવામાં આવે છે, જ્યારે 'ફ્રોઝન ડેઝર્ટ' માં વેજિટેબલ ફેટનો ઉપયોગ થાય છે. આરોગ્ય વિભાગના અંદાજ મુજબ, મોટા ભાગના નાગરિકો આ તફાવતથી અજાણ છે અને અજાણતા જ ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ સમજીને આરોગી રહ્યા છે.
આરોગ્ય મંત્રીએ ગ્રાહકોને અપીલ કરી હતી કે, ખાદ્યચીજ-વસ્તુઓની ખરીદી કરતા પહેલા પેકેટ પરનું લેબલ ચકાસી તેનું નામ, તેમાં રહેલા ઘટકોની યાદી તેમજ પોષકતત્વોની માહિતીની અવશ્ય તપાસ કરે. ઉત્પાદન ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તે આવશ્યક છે.આઇસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટને ખરીદતા પહેલા તેની બનાવટમાં રહેલા ઘટકતત્વોને ખાસ ચકાસણી કરવી જોઇએ.
વધુમાં મંત્રીએ રાજ્યના આઈસ્ક્રીમ વિક્રેતાઓને અપીલ કરી હતી કે, છૂટક આઇસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતી વખતે ગ્રાહકોને ઉત્પાદનની બનાવટ વિશે સ્પષ્ટ જણાવે. યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા માર્કિંગ કરે જેથી ગ્રાહકોમાં ગેરસમજ ન થાય.
મંત્રી એ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં જાગૃતિ આવી છે, તે જ રીતે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના તફાવત અંગે પણ જનજાગૃતિ આવશ્યક છે.આ ઉપરાંત, શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સ આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી બને.
ઉલ્લેખનીય છે કે,ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે ઉત્પાદન ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે. જો તે લાગુ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તો તે કાયદેસર ઉત્પાદન હોઇ શકે છે. બન્ને ઉત્પાદનોની ગુણવત્તા અને પોષક મૂલ્ય તેમના ઘટકો તથા ઉત્પાદનની પ્રક્રિયા પર આધારીત છે.
આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે