
ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મણાર સ્થિત શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ગણિત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સિટી મોન્ટેસરી સ્કૂલ (CMS), ગોમતી નગર એક્સટેન્શન ખાતે 14થી 17 નવેમ્બર દરમિયાન '2nd International Matheletics – MATHSVERSE 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 આંતરરાષ્ટ્રીય સ્કૂલ, 17 રાજ્યની સ્કૂલ અને 25 સ્થાનિક ટીમો સહિત કુલ 49 ટીમોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં મણાર લોકશાળાના ધોરણ 11ના આઠ વિદ્યાર્થીઓ શ્રદ્ધા જાંબુચા, કિરણ દિહોરા, ઋષિતા સોલંકી, વિશ્વા ભંડારી, ચિરાગ શિયાળ, અનિલ સોલંકી, અજય હાડગરડા અને દિવ્યેશ બારૈયાએ ગણિત ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવી હતી. વિદ્યાર્થીઓએ ગણિતની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરંપરાગત ગુજરાતી લોકનૃત્ય રાસ રજૂ કરી ગુજરાતની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો.
વિદ્યાર્થીઓએ સમયપાલન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રેષ્ઠ રજૂઆત બદલ પુરસ્કારો મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. ભાઈઓની ટીમના લીડર તરીકે ભાવેશભાઈ એલ. જાંબુચા, બહેનોની ટીમના લીડર તરીકે ઉષાબેન બી. બારૈયા અને ગણિતના માર્ગદર્શક તરીકે ડો. ગોરધનભાઈ ડી. દિહોરાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ સિદ્ધિ બદલ શાળાના પ્રિન્સિપાલ ડાયાભાઈ વી. ડાંગર, નિયામક મેહુલભાઈ ભટ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેએ અભિનંદન પાઠવ્યા હતા. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના અધ્યક્ષ ડો. ચંદ્રમૌલી જોશી તથા ખગોળશાસ્ત્રી ડો. એકતાબેન શાહે પણ સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA