

રાજપીપલા, 18 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ રાજપીપલા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં વિવિધ દેશી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર ખેલાડીઓએ પોતાની રમતગમતની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
રમતોત્સવમાં ઓપન એજ ગ્રૂપ હેઠળ આર્ચરી, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ફૂટબોલ, દોરડા ખેંચ, લીંબુ-ચમચી અને કોથળા દોડ સહિતની પરંપરાગત ગ્રામીણ રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓ અને ટીમોને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી તથા રાજપીપલા નગરપાલિકાનાં પ્રમુખ શિવાના મહેતા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર અમોલ આવટે, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલ, સ્થાનિક અગ્રણીઓ, રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ