સુરેન્દ્રનગર સ્ટેશન પર ક્રોસઓવર ટ્રેકની સુધારણા પૂર્ણ, ટ્રેન પરિચાલન વધુ સુરક્ષિત બનશે
આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવા ટર્નઆઉટની સ્થાપના; ટ્રેકના વળાંક સરળ થતા મુસાફરી દરમિયાન લાગતા આંચકામાં ઘટાડો થશે રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના સુરેન્દ્રનગર સ્ટેશન પર પોઈન્ટ નંબર 111/112 સંબંધિત ક્રોસઓવર ટ્રેક લેઆઉટન
ક્રોસઓવર ટ્રેકની સુધારણા


આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવા ટર્નઆઉટની સ્થાપના; ટ્રેકના વળાંક સરળ થતા મુસાફરી દરમિયાન લાગતા આંચકામાં ઘટાડો થશે

રાજકોટ, 18 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના સુરેન્દ્રનગર સ્ટેશન પર પોઈન્ટ નંબર 111/112 સંબંધિત ક્રોસઓવર ટ્રેક લેઆઉટની સુધારણા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ અંતર્ગત જૂના ટર્નઆઉટને બદલીને આધુનિક ટેકનોલોજીયુક્ત નવો ટર્નઆઉટ સ્થાપિત કરાયો છે. સુધારેલી ટ્રેક ભૂમિતિ (જ્યોમેટ્રી) ના કારણે હવે ટ્રેનોની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાની માહિતી મુજબ, આ કામગીરીમાં જૂના 1 ઇન 12 ટર્નઆઉટના સ્થાને આધુનિક ટીડબલ્યુએસ (થિક વેબ સ્વિચ) ટેકનોલોજી ધરાવતો 1 ઇન 8.5 ટર્નઆઉટ સ્થાપિત કરાયો છે. પોઈન્ટ નંબર 111 ને યથાવત રાખીને ક્રોસઓવર ટ્રેકને જરૂરિયાત મુજબ શિફ્ટ કરી તેના વળાંકને વધુ સરળ બનાવવામાં આવ્યો છે.

ટ્રેકની સ્થિરતા અને ગુણવત્તા વધારવા માટે જૂના પોઈન્ટ્સ, ક્રોસિંગ સ્લીપરો અને સામાન્ય સ્લીપરો બદલીને નવા સ્લીપરો લગાવાયા છે. આ ઉપરાંત, નવા ટ્રેક અલાઈનમેન્ટ મુજબ ઓવરહેડ ઈક્વિપમેન્ટ (ઓએચઈ) ના 4 માસ્ટ અને 1 પોર્ટલને સ્થાનાંતરિત કરાયા છે, તેમજ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લોકેશન બોક્સ ખસેડીને કેબલોનું ડાયવર્ઝન અને પુનઃસ્થાપન કરાયું છે.

એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ અને સિગ્નલ વિભાગના સંકલનથી નિર્ધારિત ધોરણો મુજબ આ કાર્ય સંપન્ન થયું છે. બહેતર ટ્રેક ભૂમિતિ અને સરળ વળાંકના પરિણામે ક્રોસઓવર પરથી ટ્રેન પસાર થતી વખતે લાગતા આંચકા અને બિનજરૂરી પાર્શ્વ બળો (લેટરલ ફોર્સિસ) ઘટશે, જેનાથી ટ્રેક અને રોલિંગ સ્ટોક પરનું વધારાનું દબાણ ઓછું થશે.

ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રેલવેમાં સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આધુનિક ટેકનોલોજી અને સુધારેલી ટ્રેક ભૂમિતિથી રેલ પરિચાલન વધુ વિશ્વસનીય બને છે. રાજકોટ ડિવિઝનમાં પરિચાલન ક્ષમતા વધારવા માટે માળખાગત સુવિધાઓના અપગ્રેડેશન પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande