
દિવાળીના તહેવારમાં કર્મચારીની ઘોર બેદરકારીથી લાખો લિટર શુદ્ધ પાણી વેડફાયું
જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) :
જામનગરના દિગજામ સર્કલ વિસ્તારમાં આવેલ મનપાના પાણીના સંપ પર દિવાળીના તહેવાર દરમિયાન ફરજ પર હાજર રહેલા કર્મચારીની ગંભીર લાપરવાહી સામે આવી છે. રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં કર્મચારી ગાઢ નિદ્રામાં પોઢી જતાં પાણીનો ટાંકો સતત ઓવરફ્લો થયો હતો અને લાખો લિટર શુદ્ધ પાણી વેડફાઈને મુખ્ય માર્ગો પર રેલાયું હતું, જેને કારણે રોડ પર પાણીનું ઝરણું વહેતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
અડધી રાત્રે જાહેર રસ્તાઓ પર પાણીનો ધોધ વહેતો જોઈને એકત્ર થયેલા સ્થાનિક લોકો અને રાહદારીઓએ આ બેદરકારીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ તંત્રની ઘોર બેદરકારીના કારણે થયેલા પાણીના આડેધડ બગાડને લઈને સામાન્ય પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે એક તરફ લોકો પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારે છે ત્યારે આવી લાપરવાહી સામે કડક પગલાં ભરવાની લોકમાગ પ્રબળ બની હતી.
આ ગંભીર બનાવની નોંધ લઈને જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ લાલઘૂમ થઈ ગયા હતા. તપાસ દરમિયાન ફરજ પરના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ હોવાનું ખૂલતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જવાબદાર 'રાધે બિલ્ડર્સ' કોન્ટ્રાક્ટરને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે મનપા દ્વારા પેનલ્ટી વસૂલવા સહિતની કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારીનું પુનરાવર્તન ન થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt