
સુરત, 19 નવેમ્બર (હિ.સ.): સુરતના ઉધના વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરે સાયકલ પર ટ્યુશનથી ઘરે જઈ રહેલા 17 વર્ષીય વિદ્યાર્થી પ્રિન્સ રમેશલાલ રાણાને અડફેટે લીધો હતો. અકસ્માત દરમિયાન ડમ્પરનું પાછળનું વ્હીલ પ્રિન્સ પરથી ફરી વળતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રિન્સ ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને બે દિવસ પહેલાં જ ઉજ્જૈનનાં દર્શન કરીને પરત ફર્યો હતો.
પ્રિન્સને તેના માતા-પિતાએ ભરૂચના અનાથ આશ્રમમાંથી દોઢ વર્ષની ઉંમરે દત્તક લીધો હતો. સંતાન ન હોવાથી દંપતીએ અનેક સંઘર્ષો વચ્ચે તેને ઉછેરીને મોટો કર્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, પ્રિન્સના ઉછેર અને સારવાર માટે માતા-પિતાએ ખૂબ મહેનત કરી હતી. અકસ્માતના સમાચાર મળતાં જ પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. લાડકવાયા દીકરાના અચાનક મોતથી માતા-પિતા સહિત સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
આ ઘટનાને પગલે શહેરમાં ભારે વાહનોની અવરજવર અને ટ્રાફિક નિયમોના અમલ સામે ફરી સવાલો ઊભા થયા છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સવારે 8થી બપોરે 1 અને સાંજે 5થી રાત્રે 10 વાગ્યા દરમિયાન ડમ્પર સહિતનાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં પ્રતિબંધિત સમયમાં ડમ્પર રસ્તા પર કેવી રીતે દોડી રહ્યું હતું તે અંગે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે. પરિવારજનોએ જવાબદાર ચાલક સામે કડક કાર્યવાહી અને ન્યાયની માગ કરી છે. પોલીસે ડમ્પર કબજે કરી ચાલકની અટકાયત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે