
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં ગુરુવારે સવારે દશામાં મંદિર પાસે રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનોએ ભાગ લીધો હતો. પ્રાકૃતિક ખેતીના ટીપીએમ ગિરીશભાઈએ ખેડૂતોને રાસાયણિક ખેતીના નુકસાન અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ગિરીશભાઈએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે તેમજ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થાય છે. અગાઉ ખેડૂતો પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા. ત્યારે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત, ઘન જીવામૃત જેવા કુદરતી ખાતર તૈયાર કરીને ખેતી કરવામાં આવતી હતી. તેમણે ખેડૂતોને ફરીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળવામાં શરૂઆતના સમયમાં કેટલાક પડકારો આવી શકે છે અને જમીનને નવી પદ્ધતિમાં અનુકૂળ થવામાં સમય લાગે છે. તેથી ખેડૂતોએ સમગ્ર જમીનમાં એકસાથે પ્રાકૃતિક ખેતી શરૂ કરવાને બદલે શરૂઆતમાં થોડા વિસ્તારમાં તેનો અમલ કરી ધીમે ધીમે વિસ્તાર વધારવો જોઈએ. લાંબા ગાળે આ પદ્ધતિ ખેતીનો ખર્ચ ઘટાડવા અને જમીનનું સ્વાસ્થ્ય જાળવવામાં ઉપયોગી બની શકે છે.
શિબિરમાં પ્રાકૃતિક ખેતીના આસિસ્ટન્ટ ટીપીએમ ધવલભાઈ, ગ્રામ સેવક વિપુલભાઈ સોલંકી, એઆરઓએચ ફાઉન્ડેશનના કિરણભાઈ, ચંદ્રુમાણા સેજાના પ્રાકૃતિક ખેતી પ્રતિનિધિઓ બ્રિજેશભાઈ વ્યાસ, પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, પ્રવીણભાઈ રાવળ, જગદીશભાઈ વ્યાસ તેમજ સરપંચ વિપુલભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કિરણભાઈએ ખેડૂતોને ખેડૂતલક્ષી બેન્કિંગ યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ