


અમદાવાદ, 19 નવેમ્બર (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જેબીએમ ગ્રુપ દ્વારા સીએસઆર સંમેલન 'સર્વોત્કર્ષ: સૌનો વિકાસ' કાર્યકમ યોજાયો હતો. આ તકે રાજ્યપાલના હસ્તે જેબીએમ ગ્રુપના નવા ઔદ્યોગિક પ્લાન્ટનું ઉદ્ઘાટન અને અન્ય એક પ્રકલ્પનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, આપણામાં તો સૌ કોઈ પોતીકાપણું જુએ છે, પરંતુ મહાન વ્યક્તિઓ તે છે જે અન્યોમાં પણ પોતીકાપણું જુએ છે. જેબીએમ ગ્રુપના ચેરમેન એસ.કે. આર્ય અને તેમના પરિવારે પોતાના જન્મદિવસને 'સમાજ સેવા દિવસ' બનાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉમેર્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી થકી થયેલી ઔદ્યોગિક ક્રાંતિએ માનવ જીવનને સરળ બનાવ્યું છે અને કરોડો લોકોને રોજગારી આપી છે, પરંતુ જ્યારે આ આધુનિક વિકાસ સાથે ભારતીય વૈદિક મૂલ્યો, ઋષિ ચિંતન અને પરોપકારની ભાવના જોડાય છે ત્યારે જ સુખદ સમાજનું નિર્માણ થાય છે. શ્રી આર્ય પરિવાર વર્ષોથી મહર્ષિ દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજની વિચારધારા સાથે જોડાઈને વ્યસનમુક્ત જીવનશૈલી, ગૌસેવા, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં વૈદિક શિક્ષણ સંસ્થાઓનું સંચાલન, એક જ દિવસમાં અંદાજે ૭,૦૦૦ યુનિટ રક્તદાન તેમજ દીકરીઓના સ્વાસ્થ્ય અને દિવ્યાંગજનોની સહાય જેવા પ્રશંસનીય કાર્યો કરી રહ્યો છે.
આ સાથે રાજ્યપાલ એ નવા ઉદ્ઘાટિત થયેલા અને શિલાન્યાસ કરાયેલા ઔદ્યોગિક એકમો દેશને આત્મનિર્ભર અને 'વિકસિત ભારત' બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે જેબીએમ ગ્રુપના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન થવું તે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવામાં તેમજ ગુજરાતને ઓટોમોબાઈલ હબ બનાવવામાં જેબીએમ ગ્રુપનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ ગ્રુપના ચેરમેન શ્રી એસ.કે. આર્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની સેવાકીય પ્રણાલીને અનુસરીને જેબીએમ ગ્રુપ દ્વારા જન્મદિવસની ઉજવણી મોટી પાર્ટીઓને બદલે ગુજરાત અને દેશભરના પ્લાન્ટ્સ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, 'અનાજ વિતરણ' અને 'કપડા વિતરણ' જેવા સેવાયજ્ઞો થકી છેવાડાના માનવીની ચિંતા કરીને કરવામાં આવી રહી છે, જે અત્યંત પ્રશંસનીય છે.
આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર દેશની જનગણના અંગે વિશેષ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જનગણનાના ફોર્મમાં વ્યક્તિ જે ભાષાઓ જાણતી હોય તેવી ત્રણ ભાષાઓ દર્શાવવાની હોય છે, જેમાં પ્રથમ પોતાની માતૃભાષા અને બીજી જે પ્રદેશમાં રહેતા હોઈએ તેની સ્થાનિક ભાષા લખવી જોઈએ. વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે સૌ સનાતનીઓ રોજિંદા જીવનમાં અને પૂજા-પાઠમાં સંસ્કૃત મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ, તેથી ત્રીજી ભાષા તરીકે કોઈપણ સંકોચ વિના 'સંસ્કૃત' ભાષાનો ઉલ્લેખ કરવા તેમણે ઉપસ્થિત સૌને આગ્રહપૂર્વક અપીલ કરી હતી.
જેબીએમ ગ્રુપના ચેરમેન એસ.કે. આર્યએ સ્વાગત પ્રવચન કરતા ગુજરાતની પાવન ભૂમિને નમન કર્યું હતું અને મહાપુરુષોની આ જન્મભૂમિ પર ગ્રુપનો સીએસઆર કાર્યક્રમ 'સર્વોત્કર્ષ' યોજવો તે અત્યંત ગૌરવની વાત છે તેમ જણાવ્યું હતું.
ગુજરાત સાથેના ઐતિહાસિક અને આધ્યાત્મિક નાતાને યાદ કરતા તેમણે ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ, સરદાર પટેલની જન્મજયંતિ અને નવસારીના સુપા ખાતે સ્થપાયેલા ગુરુકુળનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અને ગૌસંવર્ધન ક્ષેત્રે ક્રાંતિકારી કાર્ય થઈ રહ્યું છે, અને 'સબકા ઉત્કર્ષ'ના ધ્યેય સાથે જેબીએમ ગ્રુપ પણ 'નીલ ફાઉન્ડેશન' ના માધ્યમથી સમાજ કલ્યાણ, શિક્ષણ અને રક્તદાન જેવા સેવાકાર્યો થકી ગુજરાત અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના આદર્શોથી પ્રેરિત થઈને જેબીએમ ગ્રુપ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત સમાજના છેવાડાના માનવીના જીવનમાં નવી આશા અને પરિવર્તન લાવવા માટે સતત કાર્યરત છે. શિક્ષણ અને યુવા સશક્તિકરણના ક્ષેત્રે મેધાવી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કૌશલ્ય વિકાસ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. આર્ય સમાજની યુવા પાંખ સાથે મળીને સંસ્કૃતિ રક્ષણ, યોગ, મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન આપી જેબીએમ ગ્રુપ 'સશક્ત ભારત'ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પરંપરાગત તિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, રાજ્યપાલ એ ઔદ્યોગિક પ્લાન્ટ અને પ્રોડક્ટ ગેલેરીની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ J5 પ્લાન્ટની મુલાકાત કરી FJM પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
જેબીએમ ગ્રુપ અને નીલ ફાઉન્ડેશનની સામાજિક, માનવતાવાદી અને ઔદ્યોગિક પહેલોની રાજ્યપાલ દ્વારા સરાહના કરતા કરવામાં આવી હતી. રાજ્યપાલએ રક્તદાન કેમ્પની મુલાકાત કરી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો, એકમ દ્વારા આજે 7000 યુનિટ રક્ત એકઠા કરવાનું લક્ષ્ય રખાયું છે, સાથે ગર્ભાશયના કેન્સર જાગૃતિ અર્થે એમ્બ્યુલન્સ સેવાને લીલી ઝંડી રાજ્યપાલના હસ્તે આપવામાં આવી હતી.
રાજ્યપાલ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ એકમ દ્વારા આયોજિત પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવીજી, વિશ્વ હિન્દુ પરિષદના અશ્વિનભાઈ પટેલ, આર.એસ.એસ.ના ગુજરાત પ્રાંત સંઘ કાર્યવાહક શૈલેષભાઈ પટેલ, મારુતિ સુઝુકીના સુનિલ કક્કડ, અગ્રણી ઉદ્યોગપતિ રાજીવ સિંઘાનિયા, જેબીએમ ગ્રુપના વાઇસ ચેરમેન નિશાંત આર્ય સહિત જેબીએમ ગ્રુપના અધિકારીઓ, કર્મયોગીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ