
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : પોલીસકર્મીઓ સતત ફરજ દરમિયાન લોકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી નિભાવતા હોય છે. ત્યારે તેમના શારીરિક સ્વાસ્થ્યને જાળવવા અને માનસિક તણાવ ઘટાડવાના હેતુથી ચાણસ્મા પોલીસ લાઇનના ગ્રાઉન્ડમાં વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયી દ્વારા જિલ્લા પોલીસ માટે તૈયાર કરવામાં આવેલી વોલીબોલ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ આયોજન અંતર્ગત ચાણસ્મા પોલીસ લાઇન ખાતે પીઆઈ જીગર પટેલ, પીએસઆઈ વી.એન. પંડ્યા સહિત પોલીસ કર્મીઓએ સાંજના સમયે બે અલગ-અલગ ટીમો બનાવી વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોલીસ જવાનોએ ઉત્સાહભેર રમત રમી એકબીજા સાથે આનંદમય સમય વિતાવ્યો હતો. ફરજની સાથે રમતગમતને પણ પ્રાધાન્ય મળે તેવો આ પ્રયાસ રહ્યો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ કર્મીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે કરવામાં આવેલી આ પહેલને પોલીસ જવાનો દ્વારા આવકારવામાં આવી હતી. સતત કામના દબાણ અને ફરજની જવાબદારીઓ વચ્ચે રમતગમતના માધ્યમથી તણાવ ઓછો થાય, સ્વાસ્થ્ય જળવાય અને કર્મીઓમાં ટીમ ભાવના મજબૂત બને તે હેતુથી આ પ્રકારની પ્રવૃત્તિઓ યોજવાનું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ