સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર એક્ટિવાને અજાણ્યા વાહનની ટક્કર, મહિલાનું મોત; પતિ અને પુત્ર ઘાયલ
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર રાજધાની હોટેલ સામે 18 નવેમ્બર 2026ના રોજ વહેલી સવારે આશરે 6 વાગ્યે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ડીસા તાલુકાના નાની આખોલ ગામના દલપતસિંહ કરણાજી સોલંકી પોતાની પત્ની પશીબેન ઉર્ફે પશાબેન અને 12 વર્ષ
સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર એક્ટિવાને અજાણ્યા વાહનની ટક્કર, મહિલાનું મોત; પતિ અને પુત્ર ઘાયલ


પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર રાજધાની હોટેલ સામે 18 નવેમ્બર 2026ના રોજ વહેલી સવારે આશરે 6 વાગ્યે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ડીસા તાલુકાના નાની આખોલ ગામના દલપતસિંહ કરણાજી સોલંકી પોતાની પત્ની પશીબેન ઉર્ફે પશાબેન અને 12 વર્ષના પુત્ર સહદેવ સાથે એક્ટિવા પર સિદ્ધપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા અજાણ્યા વાહને એક્ટિવાને જોરદાર ટક્કર મારતાં ત્રણેય રસ્તા પર પટકાયા હતા.

અકસ્મતમાં પશીબેનને કપાળે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે પુત્ર સહદેવને માથા સહિત શરીરના અન્ય ભાગે અને દલપતસિંહને કપાળ તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓએ ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પશીબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દલપતસિંહ અને સહદેવને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, પરિવાર સરસ્વતી તાલુકાના વામૈયા ગામે રહેતાં દલપતસિંહનાં દાદી સાસુ અમતા ચમનજી ઠાકોરના અવસાન બાદ તર્પણવિધિમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ અંગે દલપતસિંહ સોલંકીએ ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સિદ્ધપુરના પી.આઈ. મહાવીરસિંહ ઝાલા ફરાર વાહનચાલકની શોધખોળ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande