
નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જથ્થાબંધ વેચાતી બલ્ક દવાઓ (સક્રિય અને નિષ્ક્રિય ઔષધીય પદાર્થો) માટે અલગ લાયસન્સિંગ વ્યવસ્થા લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ માટે મંત્રાલયે ડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારાનો મુસદ્દો બહાર પાડ્યો છે. પ્રસ્તાવિત ફેરફારો લાગુ થયા પછી બલ્ક દવાઓના જથ્થાબંધ વેપાર માટે અલગ અરજી અને લાયસન્સ લેવું અનિવાર્ય રહેશે. તેનો ઉદ્દેશ્ય દવાઓની પુરવઠા શૃંખલામાં જવાબદારી વધારવી અને તેમના વિતરણ પર નિયામક નિયંત્રણ મજબૂત કરવાનો છે.
મંત્રાલય તરફથી 02 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલી મુસદ્દા ગેઝેટ સૂચના સંખ્યા જીએસઆર 987 (ઈ) હેઠળ નવું અરજી ફોર્મ-19-બીસી અને લાયસન્સ ફોર્મ-20-બીસી શરૂ કરવાનો પ્રસ્તાવ છે. હાલની વ્યવસ્થામાં એક જ લાયસન્સ હેઠળ દવાઓના ફોર્મ્યુલેશન અને બલ્ક ડ્રગ્સ, બંનેના જથ્થાબંધ વેચાણની પરવાનગી મળે છે. નવી વ્યવસ્થામાં આ બંને માટે અલગ-અલગ લાયસન્સિંગ જોગવાઈઓ હશે.
પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ જથ્થાબંધ વિક્રેતાઓએ, પોતાના લાયસન્સમાં તે બલ્ક દવાઓની શ્રેણીઓનો ઉલ્લેખ કરવો પડશે, જેનો તેઓ વેપાર કરે છે. આમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) અધિનિયમ, 1985ના દાયરામાં આવતી દવાઓ પણ સામેલ હશે. આ ઉપરાંત બલ્ક દવાઓનું વેચાણ અને વિતરણ કોઈ સક્ષમ વ્યક્તિની વ્યક્તિગત દેખરેખ હેઠળ કરવાનું રહેશે. આનાથી દવાઓની જાળવણી અને વિતરણની જવાબદારી નક્કી કરવામાં મદદ મળશે.
મંત્રાલયનું માનવું છે કે, અલગ લાયસન્સિંગ વ્યવસ્થાથી બલ્ક દવાઓના જથ્થાબંધ વેચાણ પર વધુ સારું નિયંત્રણ સ્થાપિત થશે. સાથે જ એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે કે રોગપ્રતિકારક દવાઓ સામે પ્રતિકારક શક્તિ વધવાની સમસ્યાનો સામનો કરવા અને એનડીપીએસ હેઠળ આવતી દવાઓના પુરવઠા તેમજ હેરફેર પર દેખરેખ મજબૂત કરવામાં મદદ મળશે.
આ પ્રસ્તાવ પર અગાઉ જ ઔષધ પરામર્શ સમિતિ (ડીસીસી)ની 67મી બેઠકમાં 17 નવેમ્બર 2025ના રોજ સંમતિ આપવામાં આવી હતી. ત્યારબાદ ઔષધ તકનીકી સલાહકાર બોર્ડ (ડીટીએબી)ની 93મી બેઠકમાં 16 ફેબ્રુઆરી 2026ના રોજ પણ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
મંત્રાલયે હાલના લાયસન્સ ધારકોને નવી વ્યવસ્થા મુજબ ફેરફાર કરવા માટે પૂરતો સમય આપવાની જોગવાઈ પણ રાખી છે. તેમના માટે નવા નિયમો વર્તમાન લાયસન્સની જાળવણી અવધિ સમાપ્ત થવા પર અથવા સુધારાના અંતિમ પ્રકાશનના 12 મહિના પછી, આમાંથી જે પણ અવધિ પછી પૂર્ણ થશે, ત્યારથી લાગુ થશે.
આરોગ્ય મંત્રાલયે, આ મુસદ્દા પર સામાન્ય જનતા અને સંબંધિત પક્ષો પાસેથી વાંધાઓ અને સૂચનો આમંત્રિત કર્યા છે. ઈચ્છુક વ્યક્તિ ગેઝેટમાં મુસદ્દા નિયમોની નકલો જાહેર થયાની તારીખથી 30 દિવસની અંદર પોતાના સૂચનો મોકલી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ