
નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, ગુરુવારે નવી દિલ્હીમાં ‘સીમા પાર આતંકવાદ’ વિષય પર છઠ્ઠા વાર્ષિક આતંકવાદ વિરોધી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. સંમેલન રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ) તરફથી આતંકવાદ વિરુદ્ધ રાષ્ટ્રના સામૂહિક પ્રતિસાદને મજબૂત કરવાના સતત પ્રયાસો અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંમેલનના સત્રો વિવિધ વિષયો પર કેન્દ્રિત હશે. જેમાં વિદેશી ન્યાયક્ષેત્રોમાંથી પુરાવા મેળવવા, આતંકવાદી કેસોની તપાસમાં ડિજિટલ ફોરેન્સિક અને ડેટા વિશ્લેષણનો ઉપયોગ અને મુકદ્દમાઓનું અસરકારક સંચાલન સામેલ છે.
સંમેલનના સત્રોમાં કટ્ટરવાદનો સામનો કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સામે આવી રહેલા હાઇબ્રિડ જોખમો પર પણ ચર્ચા થશે. અન્ય સત્રોમાં આતંકવાદી ભંડોળના નેટવર્કને રોકવા સાથે જોડાયેલા સાધનો, તકનીકો અને કેસના અનુભવોની સમીક્ષા સાથે ભવિષ્ય માટે તૈયાર આતંકવાદ-વિરોધી વ્યૂહરચનાઓના વિકાસ તેમજ ઉભરતા રાષ્ટ્રીય સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે સંસ્થાકીય ક્ષમતાઓને મજબૂત કરવા પર વિચાર કરવામાં આવશે.
આ વર્ષે યોજાનારા સંમેલનમાં રાજ્ય પોલીસ કર્મચારીઓ અને વ્યાવસાયિક લોકો માટે એક ક્ષમતા-નિર્માણ તાલીમ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમ સહભાગીઓને અનેક ક્ષેત્રોમાં સક્ષમ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આતંકવાદી કેસોની તપાસમાં નવા ફોજદારી કાયદાઓનો ઉપયોગ, કાર્યવાહીમાં ડિજિટલ પુરાવાઓનો ઉપયોગ અને ટ્રાયલ વ્યૂહરચના તેમજ સંચાલન સામેલ છે.
કાર્યક્રમમાં આતંકવાદી કેસોની તપાસ સંબંધિત વિશેષ જોગવાઈઓ, બચાવ પક્ષ તરફથી રજૂ કરવામાં આવતા સામાન્ય પડકારો, સાક્ષીઓની સુરક્ષા તથા કાર્યવાહીને વધુ સારી બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે.
બે દિવસીય વિચાર-વિમર્શમાં કાયદા અમલીકરણ સંસ્થાઓ પોતાના અનુભવો સહિયારા કરી શકશે, આતંકવાદી કેસોને ઉકેલવામાં અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ ઉપાયોને સામે લાવી શકશે તથા આતંકવાદી કેસોની તપાસમાંથી મળેલા પાઠનો લાભ ઉઠાવી શકશે.
સંમેલનમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, કેન્દ્રીય આતંકવાદ-વિરોધી સંસ્થાઓ અને વિભાગોના અધિકારીઓ તથા કાયદો, ફોરેન્સિક અને ટેકનોલોજી સહિત સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાતોની સહભાગિતા રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ