
અમરેલી19 નવેમ્બર (હિ.સ.)
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની મબલખ આવક જોવા મળી રહી છે. મગફળીની સીઝન દરમિયાન યાર્ડમાં દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી વેચવા માટે પહોંચી રહ્યા છે. હાલ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 40 હજાર મણ જેટલી મગફળીની બમ્પર આવક નોંધાઈ રહી છે. મગફળીની મોટા પ્રમાણમાં આવક થવા છતાં ખેડૂતોને પોષણક્ષમ અને સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ હવે માત્ર અમરેલી જિલ્લાના ખેડૂતો માટે જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓના ખેડૂતો માટે પણ મગફળીના વેચાણનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. અમરેલી જિલ્લા ઉપરાંત ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ પોતાની મગફળીનું વેચાણ કરવા માટે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.
મગફળીની બમ્પર આવક અને સારા ભાવના કારણે યાર્ડમાં વેપારીઓની પણ સારી ચહલપહલ જોવા મળી રહી છે. ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળતાં રાહત અનુભવી રહ્યા છે. આમ, મગફળીની આવકથી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ વેપારની રોનક જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai