
ભાવનગર,19 નવેમ્બર (હિ.સ.) વિશ્વભરમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અંગે લોકોમાં જાગૃતિ આવે અને દવાઓના યોગ્ય ઉપયોગ અંગે સમજ કેળવાય તે હેતુથી દર વર્ષે ૧૮થી ૨૪ નવેમ્બર દરમિયાન વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે કે દવાઓ સામે જીવાણુઓમાં પ્રતિકારક શક્તિ વિકસવાની સમસ્યા અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી અને ખોટી રીતે ઉપયોગ કરવાથી ભવિષ્યમાં સામાન્ય ચેપની સારવાર કરવી પણ મુશ્કેલ બની શકે છે. તેથી ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક દવાઓ લેવી નહીં, દવાઓનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ કરવો અને પોતાની રીતે દવાઓ બંધ કરવી નહીં તે અંગે સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે THO, જિલ્લા APM, DPC, જિલ્લા સુપરવાઇઝર, CHCના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓએ એન્ટિમાઇક્રોબિયલ દવાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા તથા AMR અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવા પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દવાઓના અયોગ્ય ઉપયોગને અટકાવી ભવિષ્યમાં અસરકારક સારવારની સુવિધા જળવાઈ રહે તે માટે જનજાગૃતિ લાવવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA