

- બાળકો સાથે હળવાશભર્યો સંવાદ કરી પોષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.
દાહોદ/ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે ધાનપુર તાલુકાના પિપરગોટા ગામ સ્થિત નંદઘર-આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ અને બાળકોને આપવામાં આવતી પોષણલક્ષી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં ઉપસ્થિત ભૂલકાંઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાની ગુણવત્તા, પોષણયુક્ત આહારની વ્યવસ્થા તેમજ બાળકોના આરોગ્ય અને પોષણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે બાળકોને મળતા પોષણયુક્ત નાસ્તા અંગે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકો સાથે ખૂબ જ સહજતાથી વાતચીત કરી હતી. બાળકોને પ્રેમપૂર્વક પ્રશ્નો પૂછી તેમની સાથે હળવાશભર્યો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીનો બાળકો પ્રત્યેનો આ સ્નેહભાવ અને સાહજિક અભિગમ ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હોદ્દાની ઔપચારિકતા બાજુએ રાખીને બાળકો સાથે એક વડીલ (દાદા)ની જેમ હળીમળીને વાતો કરીને તેમણે પોતાની સરળતા અને સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરો સાથે પણ સંવાદ કરીને આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી સેવાઓ, પોષણની વ્યવસ્થા, બાળકોની હાજરી તેમજ તેમની શૈક્ષણિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાત માત્ર નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતાં બાળકો સાથેના આત્મીય સંવાદ અને આંગણવાડી કાર્યકરોની કામગીરીને પ્રત્યક્ષ જાણવાનો સંવેદનશીલ પ્રયાસ બની રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ