
રાજપીપળા, 19 નવેમ્બર (હિ.સ.) : આગામી 1 ડિસેમ્બરના રોજ રાજપીપળા સ્થિત બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે બાળ અધિકારો સંબંધિત વિવિધ મુદ્દાઓ અને પડકારો અંગે એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આયોજન અને પૂર્વતૈયારીઓના ભાગરૂપે આજરોજ અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંઘાડના અધ્યક્ષસ્થાને તેમની ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શિતલ સોલંકીએ આગામી કોન્ફરન્સના આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે વિવિધ વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી અને જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ એક દિવસીય કોન્ફરન્સમાં શાળાઓમાં શારીરિક સજા અને માનસિક ત્રાસ પર પ્રતિબંધ, શારીરિક સજાની બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર થતી અદ્રશ્ય અસરો અને શાળાઓમાં બાળકોના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત, કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015 તથા પોક્સો (POCSO) અધિનિયમ, 2012ના અમલીકરણ દરમિયાન ઉદ્ભવતા પડકારો અને રહેલી ખામીઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ