અધ્યાત્મના સંદેશ અને ધાર્મિક ઉત્સવ સાથે જાળિયામાં શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાહુતિ
ભાવનગર, 19 નવેમ્બર (હિ.સ.)ગોહિલવાડના જાળિયા ગામમાં નૂતનવર્ષના પ્રારંભે ભાઈબીજના પર્વથી સર્વ કલ્યાણ અને પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને યોજાયેલી આ કથાની મંગળવારે ભાવભક્તિ અને ઉત્સાહભર
કથા પૂર્ણાહુતિ


ભાવનગર, 19 નવેમ્બર (હિ.સ.)ગોહિલવાડના જાળિયા ગામમાં નૂતનવર્ષના પ્રારંભે ભાઈબીજના પર્વથી સર્વ કલ્યાણ અને પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને યોજાયેલી આ કથાની મંગળવારે ભાવભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી. કથા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકોએ ધાર્મિક લાભ લીધો હતો.

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા સેવા સમિતિના આયોજન અને સંકલન હેઠળ યોજાયેલી કથામાં શ્રી વિશ્વાનંદ માતાજીએ વ્યાસપીઠ પરથી ભાગવતના પ્રસંગોનું વર્ણન કરી શ્રોતાઓને અધ્યાત્મ, ભક્તિ અને જીવનમૂલ્યોનો સંદેશ આપ્યો હતો. પૂર્ણાહુતિ પ્રસંગે તેમણે આયોજનમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

કથામાં બાબુરામજી મહારાજ, રમજુબાપુ, માધવચરણદાસજી મહારાજ, ગોપાલબાપુ, રમેશગીરીજી ગોસ્વામી, વિઠ્ઠલભાઈ મેંદપરા અને હરિભાઈ ઈટાળિયા સહિતના સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કથાના ભાગરૂપે રાત્રિના સમયે રાસગરબા અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા. રાસગરબામાં ગાયક અશોકસિંહ ગોહિલે રજૂઆત કરી હતી, જ્યારે લોકસાહિત્યકાર ઘનશ્યામભાઈ લખાણી અને આશિષભાઈ શિંગાળાએ સંતવાણીની રમઝટ બોલાવી હતી.

કથાના પ્રારંભે વીરજીભાઈ તેજાણી અને પૂર્ણાહુતિ પ્રસંગે નારણભાઈ માણિયા પરિવારે પોથીનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનમાં આશ્રમ પરિવાર, ગ્રામજનો, દાતાઓ અને સેવાભાવીઓનો સહયોગ રહ્યો હતો. અંતે મોટી સંખ્યામાં ભાવિકોએ કથાશ્રવણ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande