
ભાવનગર, 19 નવેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ફાસરા ગામે ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણ શખ્સોને પકડવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એલસીબી પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફાસરા ગામના અરવિંદ નરશીભાઈ ડાભી ગોવિંદ જીવાભાઈની વાડીના શેઢે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી અરવિંદ ડાભી ને ઝડપી પાડ્યો હતો. જ્યારે મયુર વાળા, જોધા મકવાણા અને ધીરૂ ગોહિલને પકડવાના બાકી છે.
દરોડા દરમિયાન 1,700 લીટર આથો, પાંચ લીટર દેશી દારૂ, અખાધ્ય ગોળના ડબ્બા, ઈસ્ટનાં પેકેટ, ખજૂર, ગેસના ચૂલા, બાટલા તેમજ ખાલી પ્લાસ્ટિકની બોટલો સહિત કુલ 71,580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA