
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવાયેલા 240 મકાનોના મામલે રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી. ખરેખર મકાનમાં વસવાટ કરતા મૂળ લાભાર્થીઓને વારંવાર નોટિસો આપવાનું બંધ કરવાની માગ કરવામાં આવી હતી.
રહીશોએ જણાવ્યું હતું કે જે લાભાર્થીઓ પોતે મકાનમાં રહે છે તેમને હેરાન કરવામાં ન આવે અને યોજનાની શરતોનો ભંગ કરીને મકાનો ભાડે આપનારા કે વેચાણ કરનારાઓ સામે જ કાર્યવાહી કરવામાં આવે.
આવાસ યોજનાના મકાનો ગીરો મૂકવા, ભાડે આપવા કે વેચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લાભાર્થીઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું.
રજૂઆતના જવાબમાં અધિકારીએ ખાતરી આપી હતી કે ભાડે આપેલા મકાનોમાં રહેતા ભાડૂઆતોને મકાન ફાળવવાની કાર્યવાહી કરાશે અને મકાન ભાડે આપનાર મૂળ લાભાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. મકાનો વેચી મારનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ