
- ગોંડલના નાગરિકને ફોન કરી ઓટીપી મેળવ્યા બાદ ટ્રાન્ઝેક્શન : બી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) ગોંડલમાં બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ વિભાગની ખોટી ઓળખ આપી ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાના બહાને ઓટીપી મેળવી લઈ રૂ.98294 ની સાયબર ઠગાઈ આચરવામાં આવી છે. ઘટના બાદ નાગરિકે કાર્ડ બ્લોક કરાવી સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગોંડલ આઈ.ટી.આઈ. પાછળ તિરુમાલા સોસાયટી શેરી નં.-૩અ ખાતે રહેતા હરેશ નરસીંભાઇ જાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ભાનુ સોલાર ગોડાઉનમાં કામ કરે છે. ગત 12 નવેમ્બરના ના રોજ સાંજે આશરે પાંચ વાગ્યે ઘરે હાજર હતા ત્યારે મોબાઈલ પર કોલ આવ્યો હતો. સ્ક્રીન પર 'બીઓબી કાર્ડ' નામ દેખાતું હોવાથી બેંકમાંથી કોલ આવ્યો હોવાનું માની વાતચીત કરી હતી. સામે છેડેથી બોલનાર મહિલાએ હિન્દીમાં વાત કરી પોતાની ઓળખ બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે આપી હતી અને છેલ્લા છ મહિનાથી કાર્ડનો ઉપયોગ ન થયો હોવાથી કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા માટે કન્ફર્મેશન કોડની જરૂર હોવાનું જણાવ્યું હતું.
મહિલાએ પૂરું નામ અને જન્મતારીખ મેળવ્યા બાદ મોબાઈલ પર આવેલો ચાર આંકડાનો કન્ફર્મેશન કોડ માંગ્યો હતો. આ કોડ આપ્યા બાદ મહિલાએ કાર્ડની વિગતો દેખાતી હોવાનું અને કાર્ડ અપડેટ થઈ ગયાનું જણાવી ફોન કટ કર્યો હતો. માત્ર પાંચ જ મિનિટમાં મોબાઈલ પર મેસેજ આવ્યો હતો, જેમાં ક્રેડિટ કાર્ડમાંથી રૂ.98294 નું ટ્રાન્ઝેક્શન થયાનું દર્શાવાયું હતું. આ અંગે જાણવા માટે તાત્કાલિક તે નંબર પર કોલ કરતા રિસીવ થયો ન હતો, પરંતુ પુત્રીના નંબર પરથી કોલ કરતા મહિલાએ ફોન ઉપાડી પૈસા ઉપડ્યા ન હોવાનું અને માત્ર અપડેટ થયું હોવાનું જણાવી 24 કલાકમાં પ્રક્રિયા પૂર્ણ થશે તેવું કહી ગેરમાર્ગે દોર્યા હતા.
ત્યારબાદ બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ખાતે જઈ ખરાઈ કરતા ક્રેડિટ કાર્ડમાંથી નાણાં ઉપડી ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બનાવ બાદ તાત્કાલિક ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી સાયબર હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે હરેશ જાદવે ગઈકાલે ફરિયાદ આપતા ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કોલ ડિટેઈલ્સ અને ટ્રાન્ઝેક્શનના આધારે સાયબર ઠગોને ઝડપી લેવા તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt