
નવસારી, 19 નવેમ્બર (હિ.સ.): નવસારી તાલુકાના નવાગામ ખાતે રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા ‘આંબા અને ચીકુના પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થાપન’ વિષય પર એક દિવસીય પરિસંવાદ અને ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આંબા અને ચીકુના પાકમાં થતા વિવિધ રોગ-જીવાત, તેમના સંકલિત નિયંત્રણના ઉપાયો, ખાતર વ્યવસ્થાપન તથા આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે ઉપસ્થિત ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલીમ શિબિર કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, નિવૃત્ત શિક્ષણ નિયામક તથા ઉત્સાહી આર.બી. પટેલના આયોજન અને સહયોગથી યોજાઈ હતી. શિબિરમાં અબ્રામા ગામના પ્રગતિશીલ ખેડૂત બીપીનભાઈ નાયકે આંબા અને ચીકુના પાકમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ અભિગમો તથા તેના લાભો અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ડૉ. અંકુરભાઈ પરમારે ચીકુના પાકની ખેતી, પાકની સંભાળ અને ઉત્પાદન વધારવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડૉ. વિનયભાઈએ કિચન ગાર્ડનના મહત્વ અંગે સમજાવતાં ઘરઆંગણે ઓછી જગ્યામાં આખું વર્ષ વિવિધ શાકભાજીનું ઉત્પાદન કેવી રીતે કરી શકાય તે અંગે ઉપસ્થિત બહેનોને વ્યવહારુ માહિતી આપી હતી.
આ તાલીમ શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ડૉ. પરેશભાઈ પટેલ, ડૉ. અંકુરભાઈ પટેલ, ડૉ. ડી.કે. શર્મા અને ડૉ. વિનયભાઈ પરમાર તેમજ નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારીના દિનેશ પડાલીયા સહિત બાગાયત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરમાં નવાગામ તથા આસપાસના ગામોના મોટી સંખ્યામાં ઉત્સાહી ખેડૂતોએ ભાગ લઈ બાગાયતી પાકોની ખેતી, રોગ-જીવાત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થાપન અંગે ઉપયોગી જાણકારી મેળવી હતી, તેમ નાયબ બાગાયત નિયામક, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે