
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આગામી 24થી 28 નવેમ્બર, 2026 દરમિયાન પાંચ દિવસીય નિઃશુલ્ક ‘ફંડામેન્ટલ્સ ઑફ ડ્રોન મેકિંગ’ તાલીમ કાર્યક્રમ યોજાશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) અને ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે ‘ડ્રોન લેબ’ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને ડ્રોન ટેકનોલોજીનું જ્ઞાન આપવા સાથે જાતે ડ્રોન બનાવવાની તાલીમ પણ આપવામાં આવશે.
આ અગાઉ 27થી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાયેલા પ્રથમ તાલીમ કાર્યક્રમમાં કુલ 43 લોકોએ ભાગ લીધો હતો. તાલીમના અંતે યોજાયેલી પરીક્ષામાં સહભાગીઓનું સરેરાશ પરિણામ 72.40 ટકા નોંધાયું હતું. પ્રથમ કાર્યક્રમને મળેલા સારા પ્રતિસાદ બાદ હવે બીજા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ દરમિયાન યુવાનોને ડ્રોનના વિવિધ ભાગો, તેની કાર્યપદ્ધતિ, ડ્રોન બનાવવાની પ્રક્રિયા અને તેને ઉડાડવાની પ્રાયોગિક સમજ આપવામાં આવશે.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કૃષિ, સંરક્ષણ, ઉદ્યોગ, સર્વેક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આ તાલીમનો મુખ્ય હેતુ યુવાનોને આધુનિક ટેકનોલોજીથી પરિચિત કરાવી તેમને કૌશલ્ય આધારિત કારકિર્દી માટે તૈયાર કરવાનો છે. પાંચ દિવસીય આ નિઃશુલ્ક તાલીમ યુવાનો માટે ડ્રોન ટેકનોલોજી શીખવાની અને પ્રાયોગિક અનુભવ મેળવવાની ઉપયોગી તક બની રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ