
બોટાદ, 19 નવેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ક્ષય રોગ (ટીબી) નાબૂદીના પ્રયાસોને વધુ વેગ આપવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અને જનજાગૃતિની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. જયદીપ અગ્રાવત દ્વારા ગઢડા તાલુકાના ખોપાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન સંભવિત ટીબીના દર્દીઓની ક્લિનિકલ તપાસ કરવામાં આવી હતી. દર્દીઓના આરોગ્યની સ્થિતિ, લક્ષણો અને સારવાર અંગે જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અડતાળા ગામની મુલાકાત દરમિયાન ટીબીના દર્દી તેમજ સંભવિત દર્દીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમની આરોગ્યલક્ષી સ્થિતિ અને સારવાર અંગેની જાણકારી મેળવવામાં આવી હતી. સાથે જ નિયમિત દવા લેવા, સારવાર અધૂરી ન છોડવા, પૌષ્ટિક આહાર લેવા અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા સલાહ આપવામાં આવી હતી.
ટીબી રોગના સમયસર નિદાન અને યોગ્ય સારવારથી રોગને નિયંત્રિત કરી શકાય છે. તેથી શરદી-ખાંસી લાંબા સમય સુધી રહેવી, સતત તાવ આવવો, વજન ઘટવું કે અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી તપાસ કરાવવી જરૂરી છે.
આ મુલાકાતનો મુખ્ય હેતુ સંભવિત દર્દીઓની વહેલી ઓળખ, સમયસર નિદાન અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA