

પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે યોજાઈ રહેલા પરંપરાગત કારતક મેળામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની ભારે ભીડ ઉમટી રહી છે. સ્થાનિક લોકો ઉપરાંત આસપાસનાં ગામો તેમજ બહારગામથી મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાતે આવી રહ્યા છે. ધાર્મિક આસ્થા સાથે લોકમેળાની મોજ માણવા લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મેળામાં લોકોની વધતી અવરજવરને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને નવા ટાવર રોડથી નદીના બેઠા પુલ ચોકડી સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2026ના કારતક મેળામાં ધાર્મિક વિધિઓ ઉપરાંત વિવિધ લોકમેળાની પ્રવૃત્તિઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. મેળાના સ્થળ સહિત તેને જોડતા મુખ્ય માર્ગો પર મોડી સાંજ સુધી લોકોની સતત અવરજવર જોવા મળી હતી. મેળામાં ઉમટેલા માનવ મહેરામણને કારણે સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ છવાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ