
- એન્ટી નાર્કોટીક્સ વીંગે કુલ રૂ. 72,400નો મુદ્દામાલ કબજે : સપ્લાયર તરીકે લાલપુરના મોસીનનું નામ ખુલતા મેઘપર (પડાણા) પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ આદરી
જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે ચાલી રહેલા 'નો ડ્રગ્સ ઇન જામનગર' અભિયાન હેઠળ એન્ટી નાર્કોટીક્સ વીંગે મોટી ખાવડી ગામે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે સિક્કા ગામના ઈમ્તિયાઝ આમદ મુલાને રૂ.36,800ની કિંમતના 736 ગ્રામ ગાંજા, બાઈક અને મોબાઈલ સહિત કુલ રૂ. 72,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે લાલપુરના મોસીનને ફરાર જાહેર કરાયો છે.
જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા 'નો ડ્રગ્સ ઇન જામનગર' અભિયાન હેઠળ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં રબાની પાર્ક વિસ્તારમાંથી ગાંજો અને અન્ય બે કેસમાં હેરોઈન પકડાયા બાદ એન્ટી નાર્કોટીક્સ વીંગની ટીમ વોચમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ટીમે મોટી ખાવડી ગામમાં દરોડો પાડીને સિક્કા ગામે ઈદગાહ મસ્જિદ પાસે ફૈઝે રઝા હાઉસમાં રહેતા ઈમ્તિયાઝ આમદ મુલા (29) ને 736 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસની આ કાર્યવાહીમાં રૂ. 36,800ની કિંમતનો 736 ગ્રામ ગાંજો, રૂ. 30,000ની કિંમતની એક મોટરસાઈકલ, રૂ. 5,000નો મોબાઈલ ફોન અને રૂ. 600 રોકડા મળીને કુલ રૂ. 72,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી ઈમ્તિયાઝ મુલાની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવતા આ નશીલા પદાર્થના નેટવર્કમાં જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં રહેતા મોસીન નામના વ્યક્તિની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ ફરાર થયેલા લાલપુરના મોસીનને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત, આરોપીઓ કેટલા સમયથી માદક દ્રવ્યોના આ ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા હતા અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ મેઘપર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી. બી. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એલ. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહીમાં એ.એસ.આઈ. ગિરીરાજસિંહ જાડેજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ પરેશસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા અને હરવિજયસિંહ જાડેજા સહિતની ટીમ જોડાઈ હતી. જિલ્લામાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt