
- રમતી બાળકીને ઓરડીમાં બોલાવી પૂજારીએ અડપલાં કર્યા હોવાની ફરિયાદ, પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો.
રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના શાપર(વે.) વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે મંદિરના ૬૦ વર્ષીય પૂજારીએ શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. મંદિર નજીક રમતી બાળકીને ઓરડીમાં બોલાવી અડપલાં કરવામાં આવ્યા હતા. ઘરે પરત ફરેલી બાળકીએ સમગ્ર વાત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. માતાની ફરિયાદના આધારે શાપર(વે.) પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરેશભાઈ (રહે. શાપર વેરાવળ, તા. કોટડાસાંગાણી, જિ. રાજકોટ)નું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદી પોતાના પતિ અને આઠ વર્ષની પુત્રી સાથે રહે છે. અગાઉના દિવસે પુત્રી ઘર નજીક આવેલા મહાદેવ મંદિરના મેદાનમાં રમવા માટે ગઈ હતી. થોડા સમય બાદ તે ઘરે પરત આવી હતી અને શાંત બેસી રહી હતી. પુત્રીના વર્તનમાં ફેરફાર જણાતા માતાએ પૂછપરછ કરી હતી, જેમાં બાળકીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે માહિતી આપી હતી.
બાળકીએ જણાવ્યું હતું કે તે મંદિર નજીક મેદાનમાં રમી રહી હતી, ત્યારે મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરતા સુરેશભાઈએ તેને પોતાની પાસે બોલાવી હતી. બાળકી તેમની પાસે જતાં તેઓ તેને ઓરડીમાં લઈ ગયા હતા અને શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા. બાળકીએ વિરોધ કરતા ઓરડીનો દરવાજો ખોલવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકી દોડીને પોતાના ઘરે પહોંચી ગઈ હતી.
આ બાબતની જાણ થયા બાદ માતાએ પતિ સહિતના પરિવારજનોને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ પરિવારજનો શાપર(વે.) પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ઇન્ચાર્જ પીઆઈ ઇન્દ્રજીતસિંહ સરવૈયા સહિતની પોલીસ ટીમે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt