નાગરિક ઉડ્ડયન સચિવ ડૉ. કુલદીપ આર્યના હસ્તે, 'IndiAirport Expo 2026’ ની પાંચમી આવૃત્તિનો ગાંધીનગર ખાતે ભવ્ય શુભારંભ
ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ભારતના ઉડ્ડયન અને એરપોર્ટ માળખાકીય ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાના હેતુથી, રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ ડૉ. કુલદીપ આર્યએ આજે ગાંધીનગરમાં ‘IndiAirport Expo 2026’ ની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. તા.
'IndiAirport Expo 2026’ ની પાંચમી આવૃત્તિ


ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ભારતના ઉડ્ડયન અને એરપોર્ટ માળખાકીય ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાના હેતુથી, રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ ડૉ. કુલદીપ આર્યએ આજે ગાંધીનગરમાં ‘IndiAirport Expo 2026’ ની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. તા. ૧૯ અને ૨૦ દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રદર્શનનું આયોજન ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) ના વિશેષ સહયોગથી કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે સફળતાપૂર્વક યોજાયેલી અગાઉની ચાર આવૃત્તિઓ બાદ, પ્રતિષ્ઠિત ‘IndiAirport Expo 2026’નું આ વર્ષે પ્રથમ વખત ગુજરાતમાં ગાંધીનગર સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સિવિલ એવિએશન, એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશ-વિદેશના તમામ મુખ્ય સ્ટેકહોલ્ડર્સ મોટી સંખ્યામાં સહભાગી થયા છે, જે રાજ્યના ઉડ્ડયન અને પ્રવાસન વિકાસને નવી ગતિ આપશે.

નાગરિક ઉડ્ડયન સચિવ ડૉ. આર્યએ આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભારતનું એવિએશન સેક્ટર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે અને કેન્દ્ર સરકારની 'ઉડાન' જેવી મહત્વાકાંક્ષી યોજનાઓના પરિણામે સામાન્ય નાગરિકોનું હવાઈ મુસાફરીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આજે ગુજરાત તેના મજબૂત ઔદ્યોગિક પાયા, આધુનિક લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનને પરિણામે ઉડ્ડયન ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધી રહ્યું છે.

સચિવ ડૉ. આર્યએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં પ્રાદેશિક એરપોર્ટ્સના વિસ્તરણની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટ્સ પર પણ ઝડપથી કામગીરી ચાલી રહી છે, જ્યાં ટૂંક સમયમાં કાર્ગો સેવાઓ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યમાં બે નવા એરપોર્ટ વિકસાવવાનું આયોજન છે, જે હવાઈ જોડાણને વધુ મજબૂત બનાવશે. રાજ્યનો સિવિલ એવિએશન વિભાગ અને GUJSAIL નોડલ એજન્સી તરીકે તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે સંકલન સાધીને કાર્યરત છે, જેના પરિણામે આગામી સમયમાં રાજ્યના તીર્થયાત્રા પ્રવાસન અને સમગ્ર એવિએશન ઇકોસિસ્ટમને નવો વેગ મળશે. આ એક્સ્પોના સફળ આયોજન અને ઉદ્યોગકારોના બહોળા પ્રતિસાદને જોતા, આગામી વર્ષે પણ આ એક્ઝિબિશન ગુજરાતમાં જ યોજાવાની પ્રબળ શક્યતા સચિવ ડૉ. આર્યએ વ્યક્ત કરી હતી.

ગિફ્ટ સિટી-IFSCAના ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. દીપેશ શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં નિયમો લાગુ થયા ત્યારથી અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી ખાતે ૪૦થી વધુ એરક્રાફ્ટ લેસર્સની નોંધણી થઈ ચૂકી છે. અહીંથી IndiGo, Air India, Akasa Air અને SpiceJet જેવી પ્રમુખ એરલાઇન્સના કુલ ૨૭૦થી વધારે વિમાનો લીઝ પર અપાયા છે. આટલું જ નહીં, વિયેતનામ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ અહીંથી હેલિકોપ્ટર લીઝ પર આપવામાં આવ્યા છે, જે ગિફ્ટ સિટીના વૈશ્વિક વિસ્તારનો પુરાવો છે. આગામી દાયકામાં ભારતીય એરલાઇન્સ દ્વારા ઓર્ડર કરાયેલા ૧,૫૦૦થી વધુ નવા વિમાનોના ફાઇનાન્સિંગ, લિઝિંગ અને વીમાની જરૂરિયાતો પૂરી કરવા માટે ગિફ્ટ સિટી એક સક્ષમ વૈશ્વિક કેન્દ્ર બનીને ઉભર્યું છે.

સમિટમાં 'પાર્ટનર કન્ટ્રી' તરીકે સામેલ હંગેરી એમ્બેસીના ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ કાઉન્સેલર લેવેન્ટે કાર્ડોસએ કહ્યું હતું કે, 'હંગેરિયન એક્સપોર્ટ પ્રમોશન એજન્સી'-HEPA હેઠળ હંગેરીની પાંચ અગ્રણી કંપનીઓ આ એક્સ્પોમાં સહભાગી થઈ રહી છે. આ કંપનીઓ એરક્રાફ્ટ મેન્ટેનન્સ, એર ટ્રાફિક કંટ્રોલ, સેફ્ટી ટેકનોલોજી અને સેન્સર સિસ્ટમ્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા ધરાવે છે. હંગેરીને ભારતીય ઉદ્યોગો માટે 'યુરોપના પ્રવેશદ્વાર' સમાન ગણાવતા તેમણે બુડાપેસ્ટથી અમદાવાદ, દિલ્હી કે મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમના મતે, આ સીધી હવાઈ સેવાથી બંને દેશો વચ્ચેના વેપાર, પ્રવાસન અને ટેકનોલોજીકલ સહયોગને નવી ગતિ મળશે.

આ અવસરે ગ્લોબલ અફેર્સ કેનેડાના સિનિયર ટ્રેડ કમિશનર એન્ડ્ર્યુ મહારાજે કેનેડાના વિનીપેગ શહેરનો દાખલો આપીને કહ્યું કે, મજબૂત પરિવહન વ્યવસ્થા અને કનેક્ટિવિટી કોઈપણ વિસ્તારને વૈશ્વિક વ્યાપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કેનેડા વિશ્વનું ત્રીજું સૌથી મોટું એરોસ્પેસ ઉત્પાદન કેન્દ્ર છે, જ્યાં Bombardier, Bell Textron, Airbus, Pratt & Whitney, CAE અને MDA Space જેવી અગ્રણી કંપનીઓ સંપૂર્ણ એરોસ્પેસ ઇકોસિસ્ટમ હેઠળ આશરે ૧૭૦ દેશોમાં નિકાસ કરે છે. ભારત અને વિશેષ કરીને ગુજરાતની ઝડપી આર્થિક પ્રગતિને બિરદાવતા, તેમણે કેનેડિયન પ્રતિનિધિમંડળની કંપનીઓ અને ભારતીય ઉદ્યોગો વચ્ચે ટેકનોલોજી, સંશોધન તેમજ સપ્લાય ચેઇન ક્ષેત્રે નવા જોડાણો કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

સુઝુકી મોટર કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ જનરલ મેનેજર મસાઓ ફુજીતાનીએ એક પ્રેઝન્ટેશન દ્વારા કંપનીના જાપાનીઝ સિદ્ધાંત ‘શો-શો-કેઇ-તાન’ (નાનું, ઓછું, હલકું, ટૂંકું અને સુંદર) પર આધારિત ચાર મુખ્ય નવીન પ્રોજેક્ટ્સની રજૂઆત કરી હતી. આ પ્રોજેક્ટ્સમાં મુસાફરોની સુગમ અવરજવર માટે ઓટોનોમસ ‘ગ્લાયડવેઝ’, ‘સ્કાયડ્રાઇવ’ના સહયોગથી વિકસાવવામાં આવી રહેલા કોમ્પેક્ટ ‘ઇવીટોલ’ ફ્લાઈંગ એરક્રાફ્ટ, એરપોર્ટ પર માલસામાનની હેરફેર અને સુરક્ષા સંભાળતા રોબોટ્સ માટેનું ‘MITRA’ ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ તેમજ સમગ્ર એરપોર્ટ પરિસરમાં આ રોબોટ્સનું સુરક્ષિત સંચાલન કરતી ‘Mobilane’ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક ટેકનોલોજી ઓછી જગ્યા અને ઓછી ઊર્જાના વપરાશ સાથે એરપોર્ટની કાર્યક્ષમતામાં વધારો કરશે.

કેન્યા એરવેઝના ચેરમેન કિપ્રોનો કિટોનીએ જણાવ્યું હતું કે, એરલાઇન તેના વિસ્તરણના ભાગરૂપે નૈરોબી અને અમદાવાદ વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવા અંગે સક્રિયપણે વિચારણા કરી રહી છે. આ ઉપરાંત, આફ્રિકાની ૧.૫ અબજની વિશાળ વસ્તી અને વિપુલ કુદરતી સંસાધનોનો ઉલ્લેખ કરતાં તેમણે ભારત અને ગુજરાતના ઉદ્યોગોને આફ્રિકન બજાર સાથે જોડાવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે આગામી ૨૭ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ કેન્યા એરવેઝની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના ભવ્ય અવસરે સહભાગી થવા માટે ઉપસ્થિત મહાનુભાવોને આમંત્રણ પણ પાઠવ્યું હતું.

'ધ એર કાર્ગો એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા'ના પ્રમુખ સમીર જે. શાહના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતનો મોટાભાગનો એર કાર્ગો મુંબઈ એરપોર્ટ પરથી મોકલવામાં આવે છે. જોકે, રાજ્ય સરકારનો સહકાર, આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી અને ઉદ્યોગો વચ્ચેના સુચારુ સંકલનથી અમદાવાદ એરપોર્ટને મુંબઈના એક સક્ષમ વિકલ્પ અને દેશના અગ્રણી એર કાર્ગો હબ તરીકે વિકસાવી શકાય છે. વધુમાં, ભવિષ્યમાં ધોલેરા પણ એક અત્યાધુનિક કાર્ગો હબ તરીકે વિકસશે, જેમાં 'પીએમ ગતિ શક્તિ' અને 'કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી' જેવા મહત્ત્વના પ્રોજેક્ટ્સની ભૂમિકા ચાવીરૂપ રહેશે. આમ, રાજ્ય સરકારની યોગ્ય નીતિઓ અને પ્રોત્સાહન મળવાથી ગુજરાત અને અમદાવાદ એર કાર્ગો ક્ષેત્રે સમગ્ર દેશનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સમિટમાં એરપોર્ટ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એવિએશન ક્ષેત્રના અત્યાધુનિક ઉપકરણો તેમજ નવીન સંશોધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમિટની આ પાંચમી આવૃત્તિમાં દેશ-વિદેશની વિવિધ કંપનીઓએ સક્રિય સહભાગિતા નોંધાવીને ભારત અને વિશેષરૂપે ગુજરાતના એવિએશન ક્ષેત્રમાં રોકાણ તથા વ્યવસાયિક ભાગીદારીના નવા દ્વાર ખોલ્યા હતા. એકંદરે, આ સમિટ ભારતના એવિએશન માળખાને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ અને મજબૂત બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું સાબિત થશે.

આ પ્રસંગે Radeecal Communications ના સ્થાપક અને CEO સાન્યાલ દેસાઈએ શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ કાર્યક્રમમાં PHDCCIના કો- ચેરમેન માઈકલ જૈન સહિત વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ, ટેકનિકલ નિષ્ણાતો, પ્રતિનિધિઓ અને મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande