
ભાવનગર,19 નવેમ્બર (હિ.સ.)ભાવનગરમાં આજે મંત્રી જીતુભાઈ વાઘાણીએ ફળ અને શાકભાજીનું વેચાણ કરતા સ્થાનિક વિક્રેતાઓ સાથે મુલાકાત કરી આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન તેમણે બજારમાં રોજિંદી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વિક્રેતાઓની કામગીરી અને તેમની વ્યવસાયિક પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિક્રેતાઓ સાથે વાતચીત દરમિયાન તેમના ધંધામાં આવતા પડકારો, બજારના ભાવમાં થતી વધઘટ, ગ્રાહકોની માંગ અને રોજિંદા વેપારની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેતરમાં ખેડૂતનો પરસેવો અને બજારમાં વિક્રેતાઓની મહેનત બંનેના સમન્વયથી જ લોકોની થાળી સુધી તાજું અન્ન, ફળ અને શાકભાજી પહોંચે છે. આ બંને વર્ગો સમાજની આર્થિક વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે.
વધુમાં તેમણે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. 'વોકલ ફોર લોકલ'ના મંત્રને સાર્થક કરવા માટે સ્થાનિક વિક્રેતાઓને પ્રાધાન્ય આપવું જરૂરી છે. સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાથી તેમની આવક વધશે અને તેમના પરિવારની આજીવિકાને પણ મજબૂતી મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA