જામનગર : 700ની વસ્તી ધરાવતા કાલાવડના નાગપુર ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્નની નોંધણીથી ખળભળાટ
મહારાષ્ટ્રના નાગપુરના નામની ગેરસમજનો લાભ ઉઠાવી રાજકોટ-જામનગરના અનેક લગ્નો કાગળ પર નોંધાયાની આશંકા.- એ.આઈ. ફોટોગ્રાફ અને દસ્તાવેજી ક્ષતિઓની તપાસ વચ્ચે તલાટી પાસેથી ચાર્જ પરત લેવાયો. જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માત
નાગપુર ગ્રામ પંચાયત


- મહારાષ્ટ્રના નાગપુરના નામની ગેરસમજનો લાભ ઉઠાવી રાજકોટ-જામનગરના અનેક લગ્નો કાગળ પર નોંધાયાની આશંકા.- એ.આઈ. ફોટોગ્રાફ અને દસ્તાવેજી ક્ષતિઓની તપાસ વચ્ચે તલાટી પાસેથી ચાર્જ પરત લેવાયો.

જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માત્ર 700ની વસ્તી ધરાવતા નાગપુર ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધાતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. રાજકોટ અને જામનગર પંથકના અનેક પરિવારોના લગ્ન અહીં નોંધાયા હોવાનું આરટીઆઈમાં ખુલ્યું છે. આ પ્રકરણમાં દસ્તાવેજોમાં ક્ષતિ અને એ.આઈ. ફોટોગ્રાફના ઉપયોગની આશંકાને પગલે તલાટી પાસેથી ચાર્જ લઈ તપાસ શરૂ કરાઈ છે.

કાલાવડ તાલુકાના માત્ર આશરે 700ની વસ્તી અને 170 જેટલા ઘરો ધરાવતા નાગપુર ગામમાં લગ્ન નોંધણીનું એક મોટું પ્રકરણ સામે આવ્યું છે, જેણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચર્ચા જગાવી છે. માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, તારીખ 30-11-2025થી 25-02-2026 સુધીના ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં ગામના તલાટી કમ મંત્રી જગદીશ ચાવડા દ્વારા કુલ 431 લગ્નની નોંધણી કરવામાં આવી છે. આટલી ઓછી વસ્તી ધરાવતા નાના ગામમાં આટલી વિશાળ સંખ્યામાં લગ્ન કેવી રીતે નોંધાયા તે અંગે અનેક સવાલો ઊઠ્યા છે.

આ સમગ્ર મામલાની શરૂઆત રાજકોટ જિલ્લાના પડધરી પંથકના નાગરિક ઉદય વસંત અગ્રાવતની પુત્રીના લગ્નની નોંધણી અંગે ઊભી થયેલી શંકાથી થઈ હતી. પુત્રીની ઉંમર 18 વર્ષ અને બે મહિના થતા ચોથા જ દિવસે તેણે ઘર છોડી લગ્ન કરી લીધા હોવાની જાણ થતા પિતાએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન લગ્નની નોંધણી નાગપુર ગામે થઈ હોવાનું સામે આવ્યું હતું. વધુ વિગતો મેળવતા રાજકોટ અને જામનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અનેક પરિવારોના લગ્ન આ જ ગામમાં નોંધાયેલા હોવાની હકીકત બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો.

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં મહારાષ્ટ્રના નાગપુર અંગે એવી લોકવાયકા પ્રચલિત છે કે ત્યાંથી લગ્ન માટે કન્યાઓ મળી રહે છે, જેથી કોઈ પરિવારને નાગપુરમાં લગ્ન થયાની જાણ થાય તો તેઓ મહારાષ્ટ્રના નાગપુર સુધી તપાસ કરવા દોડી જતા હતા. પરંતુ આરટીઆઈના ખુલાસા બાદ સ્પષ્ટ થયું કે આ લગ્નો મહારાષ્ટ્રમાં નહીં, પરંતુ કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં નોંધાયા હતા. બંને સ્થળોના એકસરખા નામને કારણે ઊભી થતી ગેરસમજનો તકવાદી તત્ત્વોએ વ્યવસ્થિત આયોજનપૂર્વક લાભ લીધો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

લગ્ન નોંધણીના કાગળો અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરતા તેમાં અનેક ક્ષતિઓ હોવાનું પરિવારજનોના ધ્યાને આવ્યું છે. એટલું જ નહીં, નોંધણી સમયે પુરાવા તરીકે રજૂ કરાયેલા હાર-તોરા સહિતની વિધિના ફોટોગ્રાફની વિશ્વસનીયતા સામે પણ સવાલો ઊભા થયા છે. આ તસવીરો કૃત્રિમ બુદ્ધિમત્તા (એ.આઈ.) ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જો તપાસમાં આ વાત સાચી ઠરે, તો એ.આઈ.ના ઉપયોગથી ખોટા પુરાવા ઊભા કરી કાગળ પર લગ્ન નોંધવાનું કોઈ સંગઠિત નેટવર્ક કાર્યરત હોવાનું બહાર આવી શકે તેમ છે.

આ ગંભીર પ્રકરણ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ અને મામલતદાર સહિતના વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા હાલ પૂરતો તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે. બીજી તરફ, ફરિયાદી ઉદય અગ્રાવતે કાલાવડના તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.) સમક્ષ લેખિત ફરિયાદ અને અપીલ કરતા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જોકે, તપાસ સમિતિની રચનાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી અહેવાલ રજૂ ન થતા, સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande