
જુનાગઢ 19 નવેમ્બર (હિ.સ.)
સૌરાષ્ટ્રની શાન અને જૂનાગઢની સાંસ્કૃતિક ઓળખ સમાન ઐતિહાસિક અને પવિત્ર ગરવા ગિરનારની લીલી પરિક્રમાના પાવન અવસરે કેન્દ્રીય મંત્રી તથા પોરબંદર લોકસભાના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ દેશ-વિદેશ અને ગુજરાતના ખૂણેખૂણેથી ઉમટી પડતાં લાખો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ આસ્થાના આ મહાપર્વને સ્વચ્છ, પ્લાસ્ટિકમુક્ત અને પ્રકૃતિમય બનાવવા તમામ યાત્રાળુઓને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી છે.
ગિરનારના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વનો ઉલ્લેખ કરતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, ગિરનારની લીલી પરિક્રમાનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને ભવ્ય છે. જ્યારે પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારત કાળમાં પાંડવોએ પણ ગિરનારની પરિક્રમા કરી હતી. ભગવાન કૃષ્ણનાં પાવન પગલાં પણ ગિરનારની ભૂમિ સાથે જોડાયેલાં હોવાનું માનવામાં આવે છે.
ચોમાસાની વિદાય બાદ કારતક માસમાં ગિરનારની વનરાજી નવપલ્લવિત બની ખીલી ઊઠે છે, ત્યારે પ્રકૃતિના આ અદ્ભુત સૌંદર્ય વચ્ચે યોજાતી યાત્રાને લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે. ભવનાથ તળેટીથી શરૂ થઈ માળવેલા અને બોરદેવી જેવા પવિત્ર સ્થળોનો ૩૬ કિલોમીટરનો જંગલમાર્ગ પસાર કરી ફરી ભવનાથ પહોંચતી આ પરિક્રમા આજે દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની છે.
લીલી પરિક્રમાને માત્ર ધાર્મિક યાત્રા નહીં, પરંતુ સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાનું જીવંત પ્રતીક ગણાવતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, પરિક્રમાના દુર્ગમ જંગલમાર્ગો પર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સેંકડો સેવાભાવી સંસ્થાઓ તથા મંડળો દ્વારા અન્નક્ષેત્રો, ચા-પાણીની વ્યવસ્થા અને મેડિકલ કેમ્પ સહિતની સેવાઓ બિરદાવવા લાયક છે. ગુજરાતની આ સેવાભાવી પરંપરા અને ‘અતિથિ દેવો ભવ:’ની સંસ્કૃતિનું આ ઉત્તમ ઉદાહરણ છે. અહીં અમીર-ગરીબ, ઊંચ-નીચ સહિતના તમામ ભેદભાવ ભૂલી લાખો લોકો એક જ ભાવનાથી જોડાય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવામાં આવી રહ્યો હોવાનું જણાવતાં ડૉ. માંડવિયાએ કહ્યું કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ, કાશી વિશ્વનાથ કોરિડોરનો વિકાસ તેમજ સોમનાથ અને પાવાગઢ સહિતનાં પવિત્ર તીર્થધામોનો કાયાકલ્પ કરીને દેશની સનાતન ધરોહરને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવામાં આવી છે. વિકાસની સાથે આપણી ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જતન કરવું એ સમયની માગ છે.
આ સાથે તેમણે ગિરનાર લીલી પરિક્રમામાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. ગિરનાર એશિયાટિક સિંહો સહિત અનેક દુર્લભ વન્યજીવોનું કુદરતી આશ્રયસ્થાન છે ત્યારે જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક કે અન્ય કચરો ન ફેંકવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અને વન્યજીવોને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવી અને આ વખત વરસાદ ઓછો હોવાના કારણે પાણીનો પણ કરકસર પૂર્વક ઉપયોગ કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.
વડાપ્રધાનના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને ગિરનારની પવિત્ર ભૂમિ પર સાકાર કરવા સૌએ સહયોગ આપવો જોઈએ. ધાર્મિક આસ્થા સાથે પ્રકૃતિનું સંરક્ષણ જોડાય ત્યારે જ પરિક્રમાની પવિત્રતા સાચા અર્થમાં જળવાઈ રહેશે. ગિરનારની લીલી પરિક્રમાને માત્ર ધાર્મિક યાત્રા પૂરતી મર્યાદિત ન રાખતાં તેને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી ‘પર્યાવરણ તીર્થયાત્રા’ બનાવવા આહ્વાન કર્યુ છે.
મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભગવાન દત્તાત્રેય, માતા અંબા અને ગરવા ગિરનાર પર બિરાજમાન તમામ સંતો-મહંતોના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરી ગિરનારી મહારાજના આશીર્વાદ સૌ પર અવિરત વરસતા રહે તેવી પ્રાર્થના કરી છે. સાથે જ આ પવિત્ર પરિક્રમા પ્રત્યેક પદયાત્રીના જીવનમાં નવી આશા, નિરોગી સ્વાસ્થ્ય, નવી ઊર્જા અને પરમ શાંતિનો સંચાર કરે તેવી મંગલકામના વ્યક્ત કરી તમામ શ્રદ્ધાળુઓને ગિરનાર લીલી પરિક્રમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ