
જુનાગઢ, 19 નવેમ્બર (હિ.સ.) : શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ૬ થી ૧૮ વર્ષની વયજૂથના કદી શાળાએ ન ગયેલા અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધેલા દિવ્યાંગ સહિતના તમામ શાળા બહારના બાળકોને શોધવા માટે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન એક વિશેષ સર્વે હાથ ધરવામાં આવશે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ અંતર્ગત ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે, જે અન્વયે આવા બાળકોને નજીકની શાળામાં વયકક્ષા મુજબ સ્પેશિયલ ટ્રેનિંગ આપી મુખ્ય ધારામાં જોડવામાં આવશે. જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર લત્તાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાશે. આ સર્વેમાં જે તે વિસ્તારની પ્રાથમિક શાળાને મુખ્ય સેન્ટર રાખી મુખ્ય શિક્ષક/આચાર્યની આગેવાની હેઠળ શાળાના શિક્ષકો, સમગ્ર શિક્ષાનો સ્ટાફ (બી.આર.સી., સી.આર.સી., બી.આર.પી., સ્પે.એજ્યુકેટર્સ, આઈ.ઈ.ડી., બાલમિત્રો) તેમજ એન.એસ.એસ., એન.સી.સી., કોલેજો, સ્વેચ્છિક સંગઠનો અને અન્ય સરકારી વિભાગો જોડાશે.
આ સર્વે કામગીરી દરમિયાન જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારો જેવા કે સ્લમ, પછાત વિસ્તાર, ઝૂંપડપટ્ટી, રિમાન્ડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, કન્સ્ટ્રક્શન સાઈટ, શ્રમિક પરિવારોના રહેઠાણો અને સિનેમાઘરોની આસપાસના વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં દરિયા કિનારાના વિસ્તારો, જંગલના અંતરિયાળ નેસ વિસ્તાર અને અગરિયા વિસ્તારના તમામ બાળકોને પણ આવરી લેવામાં આવશે.
આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો આપની આસપાસ ૬ થી ૧૮ વર્ષની વયજૂથનું કોઈપણ બાળક (દિવ્યાંગ સહિત) શાળા શિક્ષણથી વંચિત જણાય, તો તેની જાણ નજીકની સરકારી પ્રાથમિક શાળા અથવા તાલુકાના બી.આર.સી. ભવનમાં સંપર્ક કરીને કરવા અનુરોધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ