

- આધુનિકીકરણની કામગીરી વચ્ચે મુસાફરોની સુવિધા પર સવાલો; પ્લેટફોર્મ નંબર 3 અને 4 સુધી પહોંચવા માટે ફૂટ ઓવરબ્રિજનો સહારો લેવો મજબૂરી, રણોત્સવના પ્રવાસીઓ પણ હેરાન.
કચ્છ, 19 નવેમ્બર (હિ.સ.) : કચ્છના પ્રવેશદ્વાર સમાન ભુજ રેલવે સ્ટેશન પર એક તરફ આધુનિકીકરણની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ મુસાફરોની પાયાની સુવિધાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્ટેશન પર ઉપલબ્ધ લિફ્ટ પૈકી હાલમાં માત્ર એક જ લિફ્ટ કાર્યરત હોવાના કારણે દરરોજ મુસાફરી કરતા હજારો લોકો પૈકી અનેક મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો, મહિલાઓ અને નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે આ સ્થિતિ વધુ પરેશાનીજનક બની છે.
ભુજ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 અને 4 સુધી પહોંચવા માટે ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે. સામાન્ય સ્થિતિમાં પગથિયાં ચઢવા-ઉતરવા સરળ લાગતા હોય, પરંતુ ભારે બેગ, સૂટકેસ અને અન્ય સામાન સાથે મુસાફરી કરતા લોકો માટે આ રસ્તો મુશ્કેલ બની જાય છે. ઉંમરલાયક મુસાફરો તેમજ શારીરિક અક્ષમતા ધરાવતા લોકો માટે તો આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. એક જ લિફ્ટ કાર્યરત હોવાથી મુસાફરોને લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડે છે અને ઘણી વખત પોતાની ટ્રેન પકડવાની ઉતાવળમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હાલ કચ્છમાં રણોત્સવની પ્રવાસન સિઝન ચાલી રહી છે. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ભુજ રેલવે સ્ટેશન પ્રવાસીઓ માટે પરિવહનનું મહત્વનું કેન્દ્ર હોવાથી મુસાફરોની અવરજવરમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં લિફ્ટની અપૂરતી સુવિધા પ્રવાસીઓ માટે અસુવિધાનું કારણ બની રહી છે. ખાસ કરીને પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે સ્ટેશન પરની આ સ્થિતિ સારી છાપ ઊભી કરતી નથી.
એક તરફ કચ્છને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રેલવે સ્ટેશન જેવી મહત્વપૂર્ણ જગ્યાએ મૂળભૂત સુવિધાઓની અછત ચર્ચાનો વિષય બની છે. મુસાફરોની માંગ છે કે રેલવે તંત્ર દ્વારા બંધ પડેલી લિફ્ટને વહેલી તકે કાર્યરત કરવામાં આવે અથવા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધારાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી વૃદ્ધો, દિવ્યાંગો અને પ્રવાસીઓને હાલાકીમાંથી રાહત મળી શકે.
હવે જોવાનું એ રહેશે કે રેલવે તંત્ર મુસાફરોની આ મુશ્કેલીને કેટલી ઝડપથી ધ્યાને લે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar