
કચ્છ, 19 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં ઘરફોડ ચોરીના બનાવો પર અંકુશ લાવવા અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રાત્રિ ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી મોબાઇલ ફોન અને સોનાના દાગીના સહિત કુલ રૂ. 8,45,130નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ચોરીના બનાવો અટકાવવા અને શંકાસ્પદ તત્ત્વો પર નજર રાખવા LCBની ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે LCB PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ અને PSI એમ.એચ. શીણોલની દેખરેખ હેઠળ ટીમ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન LCBના કર્મચારીઓને બાતમી મળી હતી કે માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં શંકાસ્પદ સુનીલ કૈલાસભાઈ દેવીપૂજક ભુજની રામનગરી વિસ્તારમાં કમલની દુકાન પાસે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરી સુનીલને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન ગુનામાં સંડોવણી અંગે મહત્વપૂર્ણ કડીઓ મળી આવતાં તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો હતો. ત્યારબાદ આનંદ મુકેશભાઈ દેવીપૂજકને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે બંને આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન, સોનાના દાગીના અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 8,45,130ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં મનસુખ હરેશભાઈ પરમાર ઉર્ફે દેવીપૂજકનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.
આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305 અને 331(4) હેઠળ ગુનો નોંધાયો હતો. પકડાયેલા બંને આરોપીઓ સામે BNSSની કલમ 35(1)(ઇ) મુજબ કાર્યવાહી કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ, PSI એમ.એચ. શીણોલ સહિત ASI સુરેન્દ્રસિંહ ઝાલા, અનિરુદ્ધસિંહ રાઠોડ, ધર્મેન્દ્ર રાવલ, સુનીલ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી અને જીવરાજભાઈ ગઢવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પશ્ચિમ કચ્છ LCBની આ કાર્યવાહીથી ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાની તપાસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar