

પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારી ઘારીયાલ ગામે આવેલા પીઠાઈ માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કરી લાખો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. રાત્રિના સમયે બનેલી આ ઘટનાની જાણ વહેલી સવારે મંદિરના પૂજારી અને ગ્રામજનો મંદિરે પહોંચતાં થઈ હતી. મંદિરના દરવાજાનાં તાળાં તૂટેલાં અને માતાજીના ગર્ભગૃહમાંથી દાગીના ગાયબ જણાતાં ગ્રામજનોએ તાત્કાલિક ચાણસ્મા પોલીસને જાણ કરી હતી.
ચોરીની સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં મોઢે રૂમાલ બાંધેલો એક શખ્સ હાથમાં છત્રી લઈને મંદિરમાં પ્રવેશતો અને ચોરીને અંજામ આપતો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. પોતાની ઓળખ છુપાવીને આવેલા આ શખ્સે માતાજીના ગર્ભગૃહમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ચાણસ્મા પોલીસ મથકનો કાફલો અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મંદિર પરિસરનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે CCTV ફૂટેજના આધારે શખ્સની ઓળખ કરીને તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ