
નવી દિલ્હી, 19 નવેમ્બર. (હિ.સ.) દિલ્હી સ્થિત ભારત મંડપમમાં, 21 નવેમ્બરે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા 'નેશનલ કોન્ક્લેવ ભારત ફૂડ એન્ડ એગ્રો 2047'નું આયોજન કરવામાં આવશે. આમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ઉદ્યોગસાહસિકો, નીતિ નિર્ધારકો અને વિષય નિષ્ણાતો સામેલ થશે. દિલ્હી સ્થિત લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય મુખ્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ ઓમપ્રકાશ ગુપ્તા અને ફૂડ એન્ડ એગ્રો ઉત્પાદન જૂથના રાષ્ટ્રીય સહ-સંયોજક આશિષ દેવડાએ આ માહિતી આપી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવાનો અને દેશના ખાદ્ય તેમજ કૃષિ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો છે.
આશિષ દેવડાએ જણાવ્યું કે, દેશમાં દર વર્ષે અંદાજે 90 હજાર કરોડ રૂપિયાની કૃષિ પેદાશ (ખાસ કરીને ફળો અને શાકભાજી) સમયસર પ્રોસેસિંગ, વેરહાઉસિંગ અને કોલ્ડ ચેઈન ન મળવાને કારણે બગડી જાય છે. તેમણે કહ્યું, જો આપણે આ બગાડનો માત્ર 10 ટકા પણ બચાવી લઈએ, તો ખેડૂતો અને પ્રોસેસર્સને સીધો 9 થી 10 હજાર કરોડ રૂપિયાનો લાભ થશે. દેવડાએ જણાવ્યું કે વર્તમાનમાં ભારતની ફૂડ એન્ડ એગ્રો નિકાસ આશરે 51 અબજ ડોલર છે, જેને 2030-31 સુધીમાં બમણી કરીને 100 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. તેમણે કહ્યું કે, ભારતને હવે માત્ર કાચો માલ વેચવાને બદલે 'વોલ્યુમથી વેલ્યુ એડિશન' તરફ આગળ વધવું પડશે. તેમજ, 21 નવેમ્બરે યોજાનારી આ કોન્ક્લેવને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી ભાગીરથ સિંહ ચૌધરી અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયના સચિવ અવિનાશ જોશી (આઈએએસ) સંબોધિત કરશે.
આ દરમિયાન 'મોડર્ન ટ્રેડ એન્ડ ક્વિક કોમર્સ', 'ફ્યુચર ઓફ ફૂડ', 'ઓર્ગેનિક ફાર્મિંગ', 'એમએસએમઈ ગ્રોથમાં એઆઈની ભૂમિકા', 'એગ્રી વેરહાઉસિંગ' અને 'એક્સપોર્ટ એન્ડ ગ્લોબલ રીચ' જેવા વિષયો પર વિશેષ ટેકનિકલ સત્રો યોજાશે. આ સત્રોમાં એપિડાના અધ્યક્ષ અભિષેક દેવ (આઈએએસ), એફએસએસએઆઈના સલાહકાર સત્યેન કુમાર પાંડા, જોઈન્ટ ડીજીએફટી રમેશ વર્મા, સીએફટીઆરઆઈ મૈસૂરના ડો. સુહાસ આર., હલ્દીરામના કાર્યકારી નિર્દેશક ડો. અશોક ત્યાગી, નિફ્ટેમના ડો. વિમલ પંત અને એગ્રી બજારના અતુલ ચૂરા સહિત અનેક ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતો માર્ગદર્શન આપશે. નોંધનીય છે કે 1994થી કાર્યરત લઘુ ઉદ્યોગ ભારતી આજે 27 રાજ્યો અને 600 જિલ્લાઓમાં 70 હજાર સભ્યો (જેમાં 6 હજાર મહિલા ઉદ્યોગસાહસિકો સામેલ છે) સાથે દેશનું સૌથી મોટું એમએસએમઈ સંગઠન છે.
તેમણે સંગઠનની મુખ્ય પહેલોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સીએસઆઈઆર સાથે '100 દિવસમાં 100 ટેકનોલોજી'નો રેકોર્ડ બનાવવામાં આવ્યો અને 6 હજાર ટેકનોલોજીની બેંક તૈયાર કરવામાં આવી છે, જેને 10 હજાર સુધી વધારવામાં આવશે. આ ઉપરાંત 16 રાજ્યોના 47 કેન્દ્રો અને 183 આઈટીઆઈ સાથે મળીને કૌશલ્ય વિકાસ પર કામ ચાલી રહ્યું છે. 'સ્વયંસિદ્ધા' બ્રાન્ડ હેઠળ મહિલા ઉદ્યોગસાહસિકો માટે અત્યાર સુધીમાં 85 પ્રદર્શનો યોજવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ