
પોરબંદર , 19 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર તાલુકાના મજીવાણાથી કુણવદર તરફ જતો
માર્ગ છેલ્લા આશરે એક વર્ષથી અતિ બિસ્માર
હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર કાંકરી પાથરી
રોલિંગ કરી દેવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી પાકું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. પરિણામે આ માર્ગ પરથી પસાર થતા
વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
છે.ખાસ કરીને રસ્તા પર પથરાયેલી કાંકરીના કારણે
બાઇક ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. આ
માર્ગનો ઉપયોગ મોટી સંખ્યામાં
ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ હાથલા સ્થિત
શનિધામમાં દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ કરે છે.
રોજિંદા અવરજવર માટે મહત્ત્વપૂર્ણ
એવા આ માર્ગની દયનીય સ્થિતિને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે સબંધિત તંત્ર દ્વારા આ માર્ગની સ્થિતિની તાત્કાલિક
સમીક્ષા કરી તેનું યોગ્ય નવીનીકરણ
કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya