
સુરત, 19 નવેમ્બર (હિ.સ.): સુરતના સચિન GIDC વિસ્તારમાં હોજીવાલા રોડ પર આવેલી સુમીરો નામની ગારમેન્ટ ફેક્ટરીમાં 18 નવેમ્બરની રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેકપેન્ટ અને ટી-શર્ટનું ઉત્પાદન કરતી આ કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યા બાદ 19 નવેમ્બરની સવારે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની ઘટનામાં ફેક્ટરીની અંદર રહેલી અંદાજે 100 મશીનો, તૈયાર કપડાં અને કાચો માલ બળીને નાશ પામ્યો છે. મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, અંદાજે ₹50 લાખથી વધુનો તૈયાર માલ, ₹14 લાખનો નવો માલ અને લગભગ ₹50 લાખનો કાચો માલ આગની ઝપેટમાં આવી ગયો હતો. આ ઉપરાંત મશીનરી અને સ્ટોરમાં રહેલા આશરે 50 હજાર પીસ કપડાંને પણ ભારે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ધુમાડો અને આગના કારણે ઉપરના માળે કેટલાક ફાયર જવાનો ફસાઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગની ટીમે પાછળના ભાગેથી સીડીની મદદથી તમામ જવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. કંપનીમાં દરરોજ 150થી 200 જેટલા કારીગરો કામ કરતા હોવાનું મેનેજમેન્ટે જણાવ્યું હતું. હાલ આગ બાદ બચેલો થોડો ઘણો માલ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને હવે અસરગ્રસ્ત એકમને સરકારી સહાય મળશે કે કેમ તેના પર સૌની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે