
ભાવનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરના વિજયરાજનગર ખાતે શ્રી લુહાર સુથાર રાઠોડ કુળદેવી મંડળ દ્વારા શ્રી રામચરિતમાનસ જ્ઞાનયજ્ઞ કથાનું ધાર્મિક માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે પવિત્ર વ્યાસપીઠના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ધાર્મિક આયોજનમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે તેમણે કથાનું રસપાન કરી રહેલા શ્રદ્ધાળુઓની ભક્તિ અને આસ્થાને વંદન કર્યા હતા. રામચરિતમાનસના પાઠ અને કથાશ્રવણથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનો લાભ લઈ ધર્મ અને સંસ્કારના માર્ગે આગળ વધવાનો સંદેશ મેળવી રહ્યા છે.
મંડળના સભ્યો દ્વારા મંત્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બદલ તેમણે મંડળના તમામ હોદ્દેદારો અને સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામનું જીવન માનવજાત માટે આદર્શ અને પ્રેરણાનું પ્રતીક છે. શ્રી રામચરિતમાનસમાં રહેલા જીવનમૂલ્યો, સત્ય, મર્યાદા, કર્તવ્યનિષ્ઠા અને સદભાવનાના સંદેશને જીવનમાં ઉતારવા જોઈએ. આવા ધાર્મિક આયોજનો સમાજમાં સંસ્કાર, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA