
ગાંધીનગર,19 નવેમ્બર (હિ.સ.) રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે, કડક કદમ ઉઠાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જેમાં ખાદ્ય પદાર્થોના વેચાણમાં પારદર્શિતા લાવવા અને જનઆરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ નેશનલ હાઈવે તથા રાજ્ય ના મુખ્ય હાઇવે પરની તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા અને ફૂડ સર્વિસ સાથે સંકળાયેલી તમામ પેઢીઓનું સઘન ચેકિંગ કરવા અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે.મંત્રીના દિશાનિર્દેશ મુજબ, ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ 19 નવેમ્બર, 2026 થી સમગ્ર રાજ્યમાં “ઓપરેશન હેલ્થ” અંતર્ગત ખાસ તપાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
આ અંગે વધુ વિગતો આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે તમામ મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરઓને ખાસ આદેશો જારી કરવામાં આવ્યા છે. વિશેષ કરીને, નેશનલ અને રાજ્યના મુખ્ય હાઈવે કોરિડોર પર ધમધમતી તમામ હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓનું ચેકિંગ સંબંધિત જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત તપાસણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને ગતિશીલતા જળવાઈ રહે તે માટે તમામ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તમામ એકમોનું ઓનલાઈન ઈન્સ્પેક્શન FoSCoS (Food Safety Compliance System) પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે.
મંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપતા જણાવ્યું છે કે, ખાદ્ય એકમો સાથે સંકળાયેલા તમામ રસોઈયા અને કર્મચારીઓ ફરજિયાતપણે કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરે તેમજ રસોડા અને આસપાસના પરિસરમાં ઉચ્ચ સ્તરીય સ્વચ્છતા જાળવે તે બાબતનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, સામાન્ય નાગરિકો અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાં અથવા બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. તપાસણી દરમિયાન જ્યાં પણ શંકાસ્પદ જણાય ત્યાં ત્વરિત ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવશે.
એટલું જ નહીં, ફૂડ સેફ્ટી એક્ટના 'શિડ્યુલ-4 ની જોગવાઈઓનો ભંગ કરનારા એકમો સામે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાથી લઈને લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા કાયમી ધોરણે રદ કરવા સુધીની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા પણ આ બાબતે જરૂરી તપાસ અને ખાધ્ય ચીજ ના સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો - ખાસ કરીને હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગ્રાહકો તથા મુસાફરોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને સુરક્ષિત આહાર મળી રહે તે માટે તમામ વેપારીઓએ ફૂડ સેફ્ટીના કાયદાઓ અને સ્વચ્છતાના નિયમોનું સ્વયંભૂ અને ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ